મથુરા નજીક માર્ગ અકસ્માતમાં મોહન ભાગવતનો આબાદ બચાવ

મથુરા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનો એક માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. આજે સવારે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ -વે પર તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે કાફલાની ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. મોહન ભાગવત મથુરા જઈ રહ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં મોહન ભાગવત સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર મથુરાના સુરીર વિસ્તારની નજીક મોહન ભાગવતના કાફલામાં સામેલ એક કારનું ટાયર ફાટવાથી આ અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ મોહન ભાગવત બીજી ગાડીમાં બેસીને મથુરા જવા રવાના થયા હતા. મથુરામાં આજે તેમના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આ અકસ્માતમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમનો આબાદ બચાવ થયો છે, તેમને કોઈ પણ ઈજા પહોંચી નથી.

આરએસએસના વડા મોહન ભાગવત દેશનો સતત પ્રવાસ કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ બંગાળ ગયા હતા. હવે તેઓ ટૂંક સમયમાં બિહારનો પ્રવાસ કરશે. મંગળવારે સંઘના સુપ્રીમો મોહન ભાગવતે એક વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમો પારસ્પરિક સંમતિથી ભારતને શ્રેષ્ઠ બનાવી શકે છે, પરંતુ ભારતને નંબર-૧ માત્ર હિન્દુત્વ જ બનાવી શકે છે, કારણ કે વાસ્તવમાં મુસ્લિમો પણ અગાઉ હિન્દુ જ હતા, પરંતુ પાછળથી તેઓ મુસ્લિમ બની ગયા હતા.

You might also like