લુધિયાણામાં સંઘના નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા

લુધિયાણા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખાના પ્રશિક્ષક અને ભાજપના નેતા રવીન્દ્ર ગોસાંઈની આજે સવારે બે બાઈકસવારોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બાઈકસવારોએ પોતાના ચહેરા પર બુકાની બાંધી રાખી હતી કે જેથી કોઈ ઓળખી ન શકે.

આ બંને હુમલાખોરો રવીન્દ્ર ગોસાંઈની હત્યા કરીને વીજ‌િળક વેગે ફરાર થઈ ગયા હતા. આરએસએસના નેતાની સરેઆમ હત્યા થતાં સમગ્ર લુધિયાણા શહેરમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને સર્ચ ઓપરેશન જારી કર્યું હતું.

સંઘના નેતાની હત્યા લુધિયાણા શહેરના બસ્તી જોધેવાલ વિસ્તારની ગગનદીપ કોલોનીમાં થઈ હતી. રવીન્દ્ર ગોસાંઈના પરિવારનું કહેવું છે કે તેમને કોઈની સાથે જમીન માટે ઝઘડો ચાલી રહ્યો હતો અને આ કારણસર તેમની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હત્યાના કારણ અંગે પોલીસે કંઈ કહેવા ઈનકાર કર્યો છે. એડીસીપી અને એસપી સહિત અન્ય કેટલાક ટોચના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી હતી.

You might also like