હિંદુ સમુદાયને માનવ કલ્યાણ માટે સંગઠિત થવા ભાગવતની હાકલ

શિકાગો: અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ હિંદુ સંમેલનને સંબોધન કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયને સંગઠિત થવાની હાકલ કરીને માનવ કલ્યાણના કાર્યો કરવા અપીલ કરી છે.

ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક ભાષણની ૧રપમી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત વિશ્વ હિંદુ સંમેલનમાં રપ૦૦ જેટલા લોકોને સંબોધન કરતાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિંદુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેઓ કયારેય સંગઠિત નજરે પડતા નથી.

ભાગવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિંદુઓનું ભેગા થવાનું કાર્ય મુશ્કેલ છે. તેમણે જણાવ્યું હતું ‌કે હિંદુઓ પર હજારો વર્ષથી ત્રાસ અનેે જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. કારણ કે તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું તેમજ આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે.

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે વધુુમાં જણાવ્યું હતું કે સિંહ એકલો હોય તો તેને જંગલી કૂતરાં સાથે મળીને ફાડી શકે છે. એટલા માટે હિંદુઓનું સંગઠિત થવું જરૂરી છે. હિંદુઓ કોઇનો વિરોધ કરવા માટે જીવતા નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ હિંદુઓનો વિરોધ કરે છે અને આવા લોકો હિંદુઓને નુકસાન ન પહોંચાડે તે માટે હિંદુઓએ સ્વયંને તૈયાર કરવા પડશે.

તેમણે જણાવ્યું હતું કે આપણાં મૂલ્યો જ આજની તારીખમાં જાહેર મૂલ્યો બની ગયાં છે જેને આપણે હિંદુ મૂલ્યો તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે આધ્યાત્મિક ગુરુઓની જેમ છીએ. તેમણે જણાવ્યું હતું કે પૈસા જ બધું નથી આપણી પાસે જ્ઞાન અને બુદ્ધિ પણ છે.

આપણે આપણા સંસ્કારો ભૂલવા જોઇએ નહીં. આ કાર્યક્રમમાં મોદી સરકારમાં નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયા પણ હાજર રહ્યા હતા.

You might also like