ઉજ્જૈનમાં આજથી સંઘ-ભાજપની ચિંતન બેઠક શરૂ

ઉજજૈન: ઉજજૈનમાં આજથી આરએસએસ અને ભાજપની ત્રણ દિવસની ચિંતન બેઠક શરૂ થઈ રહી છે, જેમાં સંઘના વડા મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાતમાં આ વખતે ભાજપને ૯૯ બેઠક મળી છે તે અંગે તેમજ રાજ્યમાં કૃષિ અને બેકારીના મુદ્દે સરકારની નિષ્ફળતા તેમજ યુવા નેતાઓ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આ ચિંતન બેઠકમાં છેલ્લા છ માસમાં દેશ તેમજ વિદેશના મોરચાએ ભારતને જે મુદ્દા સ્પર્શે છે તે મુદ્દા પર ચર્ચા થશે. ખાસ કરીને પાક. તથા ચીન સાથેના સંંબંધો અંગે ખાસ ચર્ચાના મુદ્દા રહેશે. આ ઉપરાંત જીએસટીની અસર તેમજ ખેડૂતોના અસંતોષનો મુદ્દો પણ ખાસ ચર્ચામાં રહેશે તેમજ આ વર્ષે આઠ રાજ્યમાં ચૂંટણી થવાની હોવાથી તે અંગે તેમજ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

સંઘના પ્રમુખ છેલ્લા છ માસમાં દેશનાં મુખ્ય ૨૧ શહેરનો પ્રવાસ કરી ચૂક્યા છે, જેમાં તેમણે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, પૂર્વ સૈનિકો અને સાહિત્યકારો, કલાકારો અને ખેડૂતોની મુલાકાત લીધી હતી, જેમાં આ લોકોએ દેશની વર્તમાન સ્થિતિ અંગે જે ચર્ચા કરી હતી તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્રિપલ તલાક મુદ્દે સરકાર જે રીતે આગળ વધી રહી છે તે અંગે તેમજ આસામમાંથી બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા જે નેશનલ રજિસ્ટ્રીથી તેમને ઓળખી કાઢવાના પ્રયાસ થયા છે તે મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવશે.

આ સિવાય આ વર્ષે વિધાનસભા સાથે લોકસભાની ચૂંટણી પણ વહેલી યોજાય તે અંગેની શક્યતાઓ ચકાસવામાં આવશે તેમજ કાશ્મીરમાં કલમ-૩૭૦ની નાબૂદીની પણ ચર્ચા કરવામાં આવશે. તે જ રીતે આજથી શરૂ થતી આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની બની રહેશે.

You might also like