દ્વારકામાં RSPLનો રોફ, ખેડૂતોનાં ખેતર તરફ જતા માર્ગ વચ્ચે કંપની બની દીવાલ

દ્વારકાઃ ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે. ઈસ ઘડી મીલકા બહિષ્કાર કરે. આ સૂત્રોચ્ચાર સાથે દ્વારકાનાં રાજમાર્ગ અને આતંરિક રસ્તાઓનાં મુદ્દાઓને લઈને RSPL કંપની સામે વકરેલો વિવાદ હવે ચરમ સિમાએ પહોંચ્યો છે. કંપનીની હદમાં અનેક ખેડૂતોની જમીન આવેલી છે.

પરંતુ ગુંડાઓની માફક વર્તન કરતી કંપનીએ ખેડૂતોનાં ખેતર સુધી જતા રસ્તાઓ જ બંધ કરી દેવાયાં છે. માત્ર એટલું જ નહીં રાજમાર્ગ પર પણ દિવાલ ચણી દેવાઇ છે. ત્યારે RSPL કંપનીની દાદાગીરી સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોષ જોવાં મળી રહ્યો છે.

મહત્વનું છે કે દ્વારકાનાં કુરંગા ખાતે આવેલી RSPL ઘડી ડીટર્જન કંપનીની દાદાગીરીને લઈને વકરેલો વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. કંપનીની દાદાગીરીથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે અને વિરોધ પર ઉતરી આવ્યાં છે. કારણ કે, કંપનીની હેરાનગતીથી ખેડૂતો પોતાની જમીન સુધી પહોંચી શકતા નથી.

ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે, કંપની તેમને દબાવીને આ જમીન હડપવા માગે છે. વારંવાર કંપનીનાં અધિકારીઓ ધમકીઓ આપી રહ્યાં છે. પોલીસ દ્વારા પણ ધમકીઓ અપાવડાવે છે અને ખોટા કેસમાં ફસાવીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યાં છે.

એટલું ઓછું હતું ને હવે RSPL કંપનીએ સરકાર અને કાયદાને નેવે મુકી રાજમાર્ગ અને રસ્તાઓને પણ બંધ કરી દીધાં છે. કંપનીનાં આ વલણને લઈને હવે ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર થઈ ગયાં છે.

સમગ્ર વિવાદ અંગે જો વાત કરવામાં આવે તો કુરંગા ખાતે 5 હજાર વિઘા જમીનમાં સોડા એશ અને પાવર પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. RSPL ઘડી ડિટર્જન્ટ કંપનીની હદમાં આશરે 300 વિઘા જેટલી જમીન ખેડૂતોની પણ આવેલી છે અને આ તમામ જમીન
સુધી પહોંચવાનાં રસ્તા કંપનીની હદમાંથી પસાર થાય છે. પરંતુ RSPL કંપનીએ ખેડૂતોની જમીન સુધી જતા તમામ આતંરિક રસ્તાઓ બંધ કરી દીધાં છે.

આ સાથે જ ગોજી કુરંગા રાજમાર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ભભુક્યો છે. મહત્વનું છે કે, ખેડૂતો દ્વારા કંપનીની દાદાગીરીને લઈને અનેક રજૂઆતો પણ કરાઈ છે. તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ ન હલ્યું. પરંતુ જ્યારે આ અંગે Vtv ન્યૂઝને ખબર પડી તો Vtvની ટીમ ખેડૂતોની વારે પહોંચી ગઈ અને સ્થળ અંગેની તપાસ કરી તો કંપનીની દાદાગીરી અને વલણ બંને સામે આવ્યું.

કંપનીનાં ગેટમાંથી પ્રવેશવા માટે જ અનેક ફોન અને રજૂઆતો કરવી પડી. જે પરથી તો સ્પષ્ટ થાય છે કે, કંપનીનું ખેડૂતો પ્રત્યે વલણ કેવું હશે. જો કે આ અંગેનો અહેવાલ રજૂ કર્યા બાદ તેની અસર પણ જોવાં મળી.

કલ્યાણપૂરનાં મામલતદારે પણ આ સ્થળની મુલાકાત લીધી અને કલમ-5 મુજબ કંપની સામે કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપવામાં આવી છે. મહત્વનું છે કે Vtvનાં અહેવાલ બાદ મામલતદારે ખેડૂતોને હાલમાં સાંત્વના તો આપી છે. પરંતુ આગામી દિવસોમાં તંત્રનાં અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઈ સચોટ પગલાં લેવામાં આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

You might also like