પેટ્રોલ પંપ પર કાલ સુધી જ ચાલશે 500ની જૂની નોટ

નવી દિલ્હીઃ જો તમે પેટ્રોલ ભરાવવા માટે 500ની જૂની નોટો હજી સાચવી રાખી હોય તો, હવે માત્ર બે દિવસ જ કે તમે 500ની જૂની નોટ પેટ્રોલ પંપ પર વટાવી શકશો. 2 ડિસેમ્બર એટલે કે આવતી કાલથી 500 રૂપિયાની જૂની નોટ પેટ્રોલ પંપ પર કે એર ટિકિટ બુકિંગમાં વાપરી શકાશે નહીં. આ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નોટોને જરૂરી સેવા માટે 15 ડિસેમ્બર સુધી વાપરવાની છૂટ આપી છે. જોકે 1000 રૂપિયાની નોટ વાપરવાની છૂટ પહેલાથી જ સરકારે પરત લઇ લીધી છે.

પેટ્રોલ પંપ અને એર ટિકિટ બુકિંગ સિવાયની અન્ય જરૂરી સેવાઓમાં પહેલાની જેમ 15 ડિસેમ્બર સુધી 500ની જૂની નોટનો ઉપયોગ કરી શકાશે. આ સાથે શુક્રવારે ફ્રી ટોલ ટેક્સની સુવિધા પણ સમાપ્ત કરવામાં આવી રહી છે. સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મોટા પાયા પર લોકો પેટ્રોલ પંપ અને એર ટિકિટ બુકિંગમાં જૂની નોટોનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે આ સુવિધાને 15 ડિસેમ્બરની જગ્યાએ 2 ડિસેમ્બર બાદ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે સરકારી હોસ્પિટલ, દવાની દુકાનમાં ડોક્ટર દ્વારા લખવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શનની મદદથી તમે 500ની જૂની નોટ દવાની દુકાનોમાં વટાવીને દવા ખરીદી શકશો. આ સિવાય રેલવે ટિકિટ કાઉન્ટર, રાજ્યની બસોમાં ટિકિટ ખરીદી, કંન્ઝ્યુમર કો-ઓપરેટિવ સ્ટોરમાં 500ની જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે.

visit: sambhaavnews.com

You might also like