મહેશ શાહ આજે મીડિયા સમક્ષ નામ જાહેર કરશે?

અમદાવાદ: રૂ.૧૩,૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહે પત્નીની તબિયતનું બહાનું આગળ ધરી આઇટી પાસે પૂછપરછ માટે બેથી ત્રણ દિવસનો સમય માગ્યો છે. મહેશ શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું પોલીસકર્મી દ્વારા જાહેર કરાવ્યું હતું. જેથી આજે મહેશ શાહ મીડિયા સમક્ષ કરોડોનાં કાળાં નાણાં કોનાં છે તે નામો જાહેર કરશે કે પછી જે રીતે ભૂતકાળમાં માત્ર હવામાં વાતો કરી છે તેવી પરિસ્થિતિ ઊભી થશે? તેવું ચર્ચાઇ રહ્યું છે.

બે દિવસ પહેલાં મહેશ શાહની આયકર વિભાગ દ્વારા પૂછપરછ કરાઇ હતી. જેમાં તેણે કોઇ પણ પ્રકારના કાળાં નાણાં અંગેની માહિતી આપી ન હતી. પત્નીની ખરાબ તબિયતને લઇ બેથી ત્રણ દિવસનો સમય માગ્યો હતો.

૯ ડિસેમ્બરના રોજ પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું પોલીસકર્મી થકી જાહેરાત કરાવી હતી. આજે મહેશ શાહ દ્વારા કરવામાં આવનાર પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર છે. અગાઉ મહેશ શાહે ખાનગી ન્યૂઝ ચેનલમાં આવી કાળું નાણું પોતાનું નહીં પરંતુ બીજાનું છે એમ કહ્યું હતું અને તે નામો આયકર વિભાગને જ આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી આયકર વિભાગને કોઇ પણ નામ આપ્યાં ન હોવાનું આયકર વિભાગે જણાવ્યું છે. જેથી હવે આજે મીડિયા સમક્ષ મહેશ શાહ નામો અંગેના ધડાકા કરે છે કે પછી ફરી એક વાર નામો અંગે રહસ્ય સર્જે છે તેના પર સવાલો ઊભા થઇ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like