ગાયત્રી પ્રજાપતિએ રેપ કેસમાં જામીન માટે જજ-વકીલને રૂ.૧૦ કરોડની લાંચ આપી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને રેપ કેસમાં મળેલા જામીનને લઇ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. એક તપાસમાં બહાર આવ્યું છે કે ગાયત્રી પ્રજાપતિએ સા‌િજશ રચીને જામીન મેળવ્યા હતા, જેમાં એક વરિષ્ઠ જજ પણ સંડોવાયેલા છે. ગાયત્રી પ્રજાપતિએ રેપ કેસમાં જામીન મેળવવા જજ અને વકીલને રૂ.૧૦ કરોડની લાંચ આપી હોવાનો પર્દાફાશ થયો છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ અલ્હાબાદ હાઇકોર્ટની તપાસમાં થયો છે.

અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિલીપ બી. ભોંસલેએ પ્રજાપતિને જામીન મળવાના મામલામાં તપાસના આદેશ કર્યા છે. આ તપાસમાં સંવેદનશીલ મામલાની સુનાવણી કરનાર અદાલતોમાં જજના પોસ્ટિંગમાં હાઇ લેવલ કરપ્શનની વાત સામે આવી છે. જસ્ટિસ ભોંસલેના રિપોર્ટ અનુસાર એડિશનલ જિલ્લા અને સેશન્સ જજ ઓ. પી. મિશ્રાને ૭ એપ્રિલના રોજ નિવૃત્ત થવાના ત્રણ અઠવાડિયાં પહેલાં જ પોકસો ‌(પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ અોફેન્સ) જજ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. જજ ઓ. પી. મિશ્રાએ ગાયત્રી પ્રજાપતિને રપ એપ્રિલના રોજ રેપ કેસમાં જામીન આપ્યા હતા.

નિમણૂકના નિયમોની ઉપેક્ષા કરીને મિશ્રાની નિમણૂક પોસ્કો જજ તરીકે કરવામાં આવી હતી. આઇબીઅે પણ જજના ખોટા પોસ્ટિંગની વાત સ્વીકારી છે. રિપોર્ટ અનુસાર ગાયત્રી પ્રજાપતિને રૂ.૧૦ કરોડના અવેજમાં જામીન આપવામાં આવ્યા હતા, જેમાંથી રૂ.પાંચ કરોડ વચે‌િટયાની ભૂમિકા ભજવનાર ત્રણ વકીલોને આપવામાં આવ્યા હતા અને બાકીના રૂ.પાંચ કરોડ પોકસો જજ (ઓ. પી. મિશ્રા) અને તેમના પોસ્ટિંગ સંવેદનશીલ સુનાવણી કરનાર કોર્ટના જજ રાજેન્દ્રસિંહને આપવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like