રોયલ જીતથી જ રાજસ્થાન માટે ખૂલશે પ્લેઓફનાં દ્વાર

કોલકાતાઃ આજે અહીં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે મહત્ત્વપૂર્ણ મેચ રમાશે. આજની મેચમાં બંને ટીમ પ્લેઓફમાં પહોંચવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરશે. કોલકાતા અને રાજસ્થાન બંનેના પોઇન્ટ ટેબલમાં ૧૨ પોઇન્ટ છે. બંને ટીમને બે-બે મેચ રમવાની છે.

નેટ રનરેટના આધાર પર કોલકાતા (-૦.૧૮૯) ચોથા અને રાજસ્થાન (-૦.૩૪૭) પાંચમા સ્થાન પર છે. આ મેચ બાદ કોલકાતા ૧૯ મેએ પ્લેઓફમાં પ્રવેશી ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે, જ્યારે એ જ દિવસે રાજસ્થાનનો સામનો વિરાટ કોહલીની બેંગલુરુ ટીમ સામે થશે.

ગત રવિવારે મુંબઈ સામે રમાયેલી મેચમાં જોસ બેટલરની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી રાજસ્થાનની ટીમે સાત વિકેટે મેચ જીતી લીધી હતી. એક સપ્તાહ પહેલાં રાજસ્થાનની ટીમ આઇપીએલની બહાર ફેંકાઈ જવાની તૈયારીમાં હતી, પરંતુ બટલરની શાનદાર બેટિંગના દમ પર ટીમે મુંબઈને પરાજય આપ્યો હતો.

બટલર ઉપરાંત વિન્ડીઝનાે ઓલરાઉન્ડ જોફ્રા આર્ચર પણ શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. કેપ્ટન રહાણે પોતાની બેટિંગની સાથે ટીમને સંભાળવાની કોશિશ કરી રહ્યો છે. જોકે તેનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. બોલિંગમાં આર્ચર ઉપરાંત બેન સ્ટોક્સ, જયદેવ ઉનડકટ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

કોલકાતાની ટીમ પર નજર કરવામાં આવે તો દિનેશ કાર્તિકની આ ટીમ મુંબઈ સામે ૧૦૨ રને થયેલા પરાજયની નાલેશીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી છે. જોકે ત્યાર બાદ કેકેઆરની ટીમે પંજાબને ૩૧ રને જરૂર હરાવી દીધી હતી.

પંજાબ સામે કોલકાતાએ ૨૪૫ રન ખડકી દીધા હતા, જે આઇપીએલના ઇતિહાસમાં ચોથા નંબરનો સૌથી મોટો સ્કોર હતો. બેટિંગમાં સુનીલ નરૈન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા અને આન્દ્રે રસેલ કેપ્ટન દિનેશ કાર્તિકને સાથ આપી રહ્યા છે. આજે રોયલ જીત સાથે રાજસ્થાન માટે પ્લેઓફનાં દ્વાર ખૂલી શકે તેમ છે.

You might also like