ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને પણ IPLમાં રમવાનાં અભરખા જાગ્યા

લંડનઃ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશીઝમાં ૪-૦થી હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત તે IPLની ૧૧મી સિઝનમાં રમતો જોવા મ‍ળશે. જો રૂટે IPLની હરાજી માટે પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવી દીધું છે.

ટેસ્ટ ક્રિકેટમાં ખુદને સ્થાપિત કરવા માટે રૂટ IPLની સાથે-સાથે ટી-૨૦ ક્રિકેટથી પણ દૂર રહ્યો હતો, પરંતુ હવે રૂટ ઇચ્છે છે કે તે ત્રણેય ફોર્મેટમાં રમે. વધતી લોકપ્રિયતાને કારણે ICCએ પણ IPLનું મહત્ત્વ સ્વીકારી લીધું છે. આથી IPLના આયોજન દરમિયાન કોઈ પણ મોટા આંતરરાષ્ટ્રીય મુકાબલાની સંભાવનાઓ બહુ જ ઓછી છે. આ સ્થિતિમાં રૂટ IPLમાં પણ પોતાની બેટિંગની કમાલ દેખાડવા ઇચ્છે છે.

રૂટની ગણતરી વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. એક તરફ હાલ વિશ્વના ત્રણ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન – વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમ્સન સતત IPLમાં રમતા જોવા મળે છે, જ્યારે રૂટ IPLથી દૂર રહ્યો હતો. રૂટે હવે IPLમાં રમવાનો નિર્ણય કર્યો છે અને ખુદનું નામ ૨૭-૨૮ જાન્યુઆરીએ યોજાનારી હરાજીમાં સામેલ કરી દીધું છે.

એ તો એ નક્કી જ છે કે હવે બધી જ ફ્રેંચાઇઝી રૂટની પાછળ દોટ મૂકશે. ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાયેલી પ્રથમ વન ડેમાં રૂટે અણનમ ૯૧ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડની ટીમના કોચ ટ્રેવર બેલિસ ઇચ્છતા હતા કે ટેસ્ટ કેપ્ટન રૂટ IPLથી દૂર રહે અને આગામી હોમ સિરીઝ માટે ખુદને તૈયાર કરે. ૨૭ વર્ષીય રૂટના ઓસ્ટ્રેલિયામાં રમાનારી ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીમાં રમવાના નિર્ણય અંગે ટ્રેવર બેલિસનું કહેવું છે કે, ”રૂટ આ શ્રેણીમાં રમીને ખુદને ટી-૨૦ ફોર્મેટમાં સાબિત કરવા માગે છે.

મેં રૂટને સલાહ આપી હતી કે તે ત્રિકોણીય શ્રેણીમાં ના રમીને આરામ કરે. રૂટ ટી-૨૦ વર્લ્ડકપ અને વન ડે વર્લ્ડકપ – બંનેમાં રમવા માગે છે. આથી જ તેણે ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીમાં રમવાનો નિર્ણય કર્યો છે.”

You might also like