હોલિવૂડને જવાબ છે રોકી હેન્ડસમઃ જોન

છેલ્લા ઘણા સમયથી જોન અબ્રાહમ અલગ પ્રકારના રોલ કરી રહ્યો છે અને અલગ પ્રકારની ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. તેની ‘રોકી હેન્ડસમ’ અાવી અલગ પ્રકારની ફિલ્મ છે. ‘રોકી હેન્ડસમ’માં એક એવી વ્યક્તિ કબીર અહલાવતની કહાણી છે, જેના બે અવતાર છે. વર્ષ ૨૦૦૯થી પહેલાંનો તેનો કોઈ રેકોર્ડ નથી. અા વ્યક્તિ ક્યાંથી અાવી છે તેની કોઈને કંઈ ખબર નથી. ફિલ્મમાં એક એવી ઘટના બને છે, જેના કારણે તેનું દિમાગ હટી જાય છે. ફિલ્મમાં જોનનું નામ રોકી છે. એક બાળકી તેને હંમેશાં કહે છે કે ખબર છે લોકો તને શું કહે છે, હેન્ડસમ. અા રીતે તેનું નામ રોકી હેન્ડસમ બની જાય છે.

જોન કહે છે કે મેં મારા પ્રોડક્શન હાઉસ જે એન્ટરટેઈનમેન્ટ દ્વારા હંમેશાં કંઈક નવું અાપવાની કોશિશ કરી છે. અમે ‘વિકી ડોનર’માં કંઈક અલગ કર્યું. ‘મદ્રાસ કેફે’માં પણ અલગ કર્યું. હવે ‘રોકી હેન્ડસમ’ દ્વારા અમે હોલિવૂડને જવાબ અાપવાની કોશિશ કરી છે. અમે હોલિવૂડની ઘણી બધી ફિલ્મો જોઈ છે. લોકોને એમ જ લાગે છે કે એક્શન તો માત્ર હોલિવૂડવાળા જ કરી શકે છે. અાપણે અાવી એક્શન કરી શકતા નથી, પરંતુ હું લોકોને દેખાડવા ઈચ્છતો હતો કે અમે પણ વર્લ્ડ ક્લાસ એક્શન કરી શકીએ છીએ. અા એક ઈમોશનલ ફિલ્મ પણ છે. તમે ગમે તેટલી એક્શન કરો, પરંતુ તેમાં કોઈ ઈમોશન્સ ન હોય તો લોકો તેને પસંદ કરતા નથી. •

You might also like