આત્મહત્યા કરનાર રોહિત દલિત છે જ નહીંઃ IBનો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી: એક ખાનગી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર રિસર્ચ કોલર રોહિત વેમુલા દલિત હતો જ નહીં. આ રિપોર્ટ અનુસાર રોહિતનાં દાદી અને તેના માતાએ સ્વયં વડેરા જ્ઞાતિના હોવાનું જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશમાં વડેરા જ્ઞાતિ ન તો ઓબીસીમાં આવે છે કે ન તો દલિત કેટેગરીમાં.
આ રિપોર્ટ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મોકલી આપવામાં આવ્યો છે. એજન્સીઓએ પોતાની તપાસ બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોહિતનાં દાદી રાઘવમ્માએ એવો દાવો કર્યો હતો કે તેમનો દીકરો (રોહિતના પિતા) અને તેમની વહુ (રોહિતનાં માતા) બંને વડેરા સમુદાયના છે. અજિત ડોભાલને સોંપવામાં આવેલા રિપોર્ટની સાથે રાઘવમ્માની તેલુગુમાં વીડિયો ક્લિપ પણ જોડવામાં આવી છે.

રોહિત વેમુલાની જ્ઞાતિને લઈને ૨ જુલાઈ, ૨૦૧૪ના રોજ રોહિતના માતા વી. રાધિકાએ પોતાના નાના પુત્ર રાજા ચૈતન્યકુમારના બર્થ રજિસ્ટ્રેશન માટે ભરેલ અરજીપત્રક પણ રજૂ કર્યું હતું. રોહિતના માતાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે ગુરુજલા અને મંડલ ગામની રહેવાસી છે અને તે વડેરા જ્ઞાતિ સાથે સંકળાયેલ છે. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેમના નાના પુત્ર રાજા ચૈતન્યકુમારનો જન્મ ૯ જૂન, ૧૯૯૦ના રોજ થયો હતો, પરંતુ એ વખતે તે તેના જન્મનું રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા.

વી. રાધિકાએ જણાવ્યું હતું કે ૯ જૂન, ૧૯૯૦ના રોજ મેં ગુરુજલા સ્થિત મારા ઘરે એક બાળકને જન્મ આપ્યો હતો. એ વખતે મને ખબર ન હતી એટલે મેં બર્થ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું, પરંતુ સ્કૂલમાં એડમિશન માટે મારા પુત્રને બર્થ સર્ટિફિકેટની જરૂર હતી. આ ઉપરાંત ભવિષ્યમાં તેની જરૂર પડશે. એટલા માટે હું મારા નાના પુત્ર રાજા ચૈતન્યકુમારના બર્થ રજિસ્ટ્રેશન માટે અરજી કરી રહી છે.

વી. રાધિકાએ આ માટે તેલુગુમાં એક એફિડેવિટ પણ રજુ કર્યું હતું. આઈબી રિપોર્ટમાં તેનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ જોડવામાં આવ્યું છે. વી. રાધિકાએ પોતાના એક અલગ નિવેદનમાં એવો દાવો કર્યો છે કે જો તે આ કેસમાં ખોટી જાણકારી આપે તો તેને આઈપીસીની કલમ ૧૯૯ અને ૨૦૦ હેઠળ સજા થઈ શકે છે.

You might also like