જરૂર પડશે તો ઓપનિંગ પણ કરીશઃ રોહિત શર્મા

મુંબઈઃ કેપ્ટન રોહિત શર્માએ ગત રવિવારે ગુજરાત સામેની મેચ જીતી લીધા બાદ એવો સંકેત આપ્યો હતો કે હું આ સિઝનમાં કોઈ પણ મેચમાં ઓપનિંગ કરી શકું છું, પરંતુ એ ટીમની જરૂરિયાત પર નિર્ભર હશે. રોહિત ભારત તરફથી વન ડે ટીમમાં નિયમિતપણે ઓપનિંગ કરે છે, પરંતુ આઇપીએલની આ સિઝનમાં તે ચોથા ક્રમે બેટિંગ કરી રહ્યો છે. ગુજરાત સામેની છેલ્લી મેચમાં રોહિતે અણનમ ૪૦ રન બનાવ્યા હતા. મેચ બાદ રોહિતે કહ્યું, ”મને ઓપનિંગ કરવાનું ગમે છે, પરંતુ તમારે ટીમના હિસાબે વિચારવું પડે છે. તમારે ટીમનું સંતુલન જાળવવાનું હોય છે. મારા ચોથા કે ત્રીજા ક્રમાંકને કારણે ટીમને સંતુલન મળે છે. ગત વર્ષે અમને લાગ્યું હતું કે કોઈ એવો બેટ્સમેન હોવો જોઈએ, જે છેલ્લે સુધી બેટિંગ કરી શકે.”

રોહિતે અંતમાં કહ્યું, ”હું ટીમની જરૂરિયાત મુજબ દરેક ભૂમિકા નિભાવવા માટે તૈયાર છું. હું પણ ઇનિંગ્સની શરૂઆત કરી શકું છું. મેં બધા વિકલ્પ ખુલ્લા રાખ્યા છે.” ઉલ્લેખનીય છે કે પાર્થિવ પટેલ અને જોસ બટલર મુંબઈ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે, જ્યારે નીતિશ રાણા ત્રીજા ક્રમે બેટિંગ કરે છે.
http://sambhaavnews.com/

You might also like