રોહિત-ચેતેશ્વરની કરિયર માટે બહુ જ મહત્ત્વની છે ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણી

નવી દિલ્હીઃ રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા… મધ્યમ ક્રમના આ બંને બેટ્સમેનોની કરિયર માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બહુ જ મહત્ત્વની રહેશે. રોહિત શર્માનું ફોર્મ અને ફિટનેસ પારખવા માટે તેને દિલીપ ટ્રોફીની મેચ રમવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં તે એક મેચમાં ૬૨ રન જ બનાવી શક્યો હતો. ૧૮ ટેસ્ટ બાદ રોહિત શર્મા ટીમ ઇન્ડિયામાં પોતાનું કાયમી સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. તેનો ટેસ્ટ રેકોર્ડ તેની પ્રતિભાને સાબિત નથી કરી રહ્યો. તેની કરિયર પર એક નજર કરીએઃ

રોહિત કરિયર ૧૨ મહિનામાં
ટેસ્ટ            ૧૮        ૪
રન            ૯૪૫    ૭૬
સરેરાશ    ૩૨.૬૨    ૧૨.૬૬
સદી         ૨             ૦
સ્પષ્ટ છે કે ટેસ્ટમાં રોહિતનું પ્રદર્શન એવું નથી રહ્યું કે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે, પરંતુ પસંદગીકારો અને કેપ્ટન કોહલી તેને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને કારણે તેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળશે કે કેમ એ જોવું દિલચસ્પ બની રહેશે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કહે છે, ”રોહિતની ટેલેન્ટ ટેસ્ટ ક્રિકેટમાં ઊભરીને સામે નથી આવી રહી. ખાસ કરીને વિદેશી ધરતી પર, જ્યાં વાતાવરણ ફાસ્ટ બોલરને અનુકૂળ હોય છે. મને લાગે છે કે તેને જરૂર કરતાં ઘણી વધારે તકો મળી છે.”

ચેતેશ્વર પૂજારા પર વેસ્ટ ઇન્ડીઝમાં ધીમી બેટિંગ કરવાનો આરોપ લાગ્યો. જોકે જાણકારો માને છે કે નંબર ત્રણ પર રાહુલ દ્રવિડ જેવો બેટ્સમેન જ જોઈએ, આથી પૂજારા પાસેથી ઝડપી બેટિંગ કરવાની આશા રાખવી યોગ્ય નથી. એ જરૂરી છે કે પાછલા એક વર્ષમાં પૂજારાની સરેરાશ તેની કરિયરની સરેરાશથી ઓછી જરૂર થઈ છે. પાછલા એક વર્ષમાં તે એક પણ સદી ફટકારી શક્યો નથી.

ચેતેશ્વર કરિયર ૧૨ મહિનામાં
ટેસ્ટ       ૩૫           ૭
રન       ૨૪૮૨       ૨૬૪
સરેરાશ ૪૬.૮૩    ૩૩.૦૦
સદી       ૭             ૦
સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, ”અંતિમ ઈલેવનમાં પૂજારાને જ તક આપવી જોઈએ, કારણ કે તે ટેસ્ટમાં રોહિત કરતાં વધુ સારો બેટ્સમેન છે. ભારતમાં તેનો રેકોર્ડ પણ શાનદાર છે. શ્રીલંકાની મુશ્કેલ પીચ પર જ્યારે તેને ઇનિંગ્સની શરૂઆત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સદી ફટકારી હતી. જમૈકામાં તેને એવું કહીને બહાર બેસાડી દેવામાં આવ્યો હતો કે તે ધીમી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ મારા માટે એ નિર્ણય ચોંકાવનારો હતો. ટીમમાં એવો વન ડાઉન બેટ્સમેન હોવો જોઈએ, જેવો રાહુલ દ્રવિડ હતો.”

ચેતેશ્વર પૂજારાએ દિલીપ ટ્રોફીમાં ઇન્ડિયા ગ્રીન સામે ૧૬૧ રન અને ફાઇનલમાં ઇન્ડિયા રેડ સામે ૨૫૬ રનની ઇનિંગ્સ રમીને ‘મેન ઓફ ધ સિરીઝ’નો પુરસ્કાર જીત્યો હતો.

You might also like