રોહિંગ્યા મુસલમાનો ટાઇમ બોમ્બ છેઃ જમ્મુના અખબારમાં જાહેરાત

જમ્મુ, સોમવાર
જમ્મુમાં બાંગ્લાદેશથી આવીને વસેલા રોહિંગ્યા મુસલમાનોને હાંકી કાઢવાની કવાયત તેજ બની છે. કેટલાંક જૂથ દ્વારા સ્થાનિક અખબારમાં જાહેરખબર આપીને રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ જનતામાં એક સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને નેશનલ પેન્થર્સ પાર્ટી જેવાં સંગઠન દ્વારા આ પ્રકારની જાહેરખબર આપવામાં આવી રહી છે. આ જાહેરખબરમાં રોહિંગ્યા મુસલમાનોને ટાઇમ બોમ્બ હોવાનું જણાવીને જમ્મુ માટે ખતરા સમાન છે એવું જણાવાયું છે.

એક જાહેરખબરમાં લખ્યું છે કે, ‘રોહિંગ્યાઃ ટીક ટીક કરતા ટાઇમ બોમ્બ છે. જમ્મુને બચાવવા માટે તેમને હાંકી કાઢવામાં આવે. તેમના કારણે શાંતિ ચાહક જમ્મુવાસીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જમ્મુને બચાવવા માટે સંગઠિત થવું જરૂરી છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે પેન્થર્સ પાર્ટીએ રોહિંગ્યા મુસલમાનોની હકાલપટ્ટી માટે દેખાવો પણ કર્યા હતા.

રોહિંગ્યા મુસલમાનોને હટાવવા માટે આમ તો ઘણા મહિનાથી કવાયત ચાલી રહી છે, પરંતુ જાહેરખબર દ્વારા લોકોને અપીલ કરવાની કવાયત ૧૦ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ શરૂ થઇ હતી. સુજવાન સ્થિત આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં છ જવાન શહીદ થયા હતા અને એક નાગરિકનું પણ મોત થયું હતું.

આ આતંકી હુમલા બાદ એવો નિર્દેશ મળ્યો હતો કે આતંકવાદીઓને સ્થાનિક લોકોનું સમર્થન છે. હુમલાના એક કલાક બાદ ભાજપના ધારાસભ્ય રવીન્દ્ર ગુપ્તાએ આ એટેક માટે બે ચોક્કસ દેશના શરણાર્થીઓને જવાબદાર ગણાવ્યા હતા.

You might also like