રોહિંગ્યા મુસ્લિમો કાશ્મીરની સુરક્ષા માટે ખતરારૂપઃ રાજનાથસિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું છે કે રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ-કાશ્મીરની સુરક્ષા માટે ખતરારૂપ છે. જમ્મુ કાશ્મીર પ્રવાસ પર ગયેલા રાજનાથસિંહે રોહિંગ્યાને દેશ નિકાલ કરવા માટે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે આપણે છેલ્લા અઢી દાયકાથી આતંકવાદ સામે ઝઝૂમી રહેલા કાશ્મીરની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરી શકીએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ ગેરકાયદે રીતે ભારતમાં શરણું લીધું છે. કેન્દ્ર સરકાર ગેરકાયદે શરણાર્થીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે. જોકે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની લઘુમતીઓ સાથે અમારી સહાનુભૂતિ છે કે જેમણે ભારતમાં શરણું લીધું છે.

જમ્મુ કાશ્મીરમાંથી શરણાર્થીઓને બહાર કરવાના પ્રશ્નો પર તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્ય સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ અને ગેરકાયદે રીતે ભારત આવેલા વિદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ અને કાશ્મીર માટે ખતરારૂપ બની શકે છે. અમે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી શકીએ નહીં. ગેરકાયદે રીતે દેશમાં વસનારાઓ માટેની સરકારની નીતિ સ્પષ્ટ છે.

બોર્ડર સીલ કરવા અંગેના પ્રશ્નોના જવાબ આપતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે પીઓકે સહિત દેશની તમામ સરહદો પર નદીઓ જેવા વિસ્તારો આવેલા છે તેથી ફેન્સિંગ કરવું શક્ય નથી. આવા વિસ્તારોમાં સુરક્ષા માટે સેન્સરવાળા કેમેરાથી નજર રાખી શકાશે.

You might also like