બોપન્ના-મેર્જિયાનો ધમાકોઃ બ્રાયન બંધુઓને પછાડ્યા

લંડનઃ ભારતના રોહન બોપન્ના અને રોમાનિયાના ફ્લોરિન મેર્જિયાએ વર્ષના અંતિમ એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત બોબ અને માઇક બ્રાયન બંધુઓની જોડી સામે ધમાકેદાર જીત હાંસલ કરી છે. ૭૦ લાખ ડોલરની ઇનામી રકમવાળી એટીપી ફાઇનલ્સમાં પહેલી વાર એક સાથે રમી રહેલા બોપન્ના અને મેર્જિયાએ શાનદાર પ્રદર્શન કરતા બોબ અને માઇકને એક કલાકમાં ૬-૪, ૬-૩થી હરાવીને પોતાની રાઉન્ડ રોબિન મેચ જીતી લીધી. બોપન્ના અને મેર્જિયાની દુનિયાની દિગ્ગજ જોડી બ્રાયન બંધુઓ વિરુદ્ધ અત્યાર સુધી રમાયેલી કુલ ચાર મેચમાં બીજી જીત છે. છેલ્લે ભારતીય-રોમાનિયન જોડીએ બ્રાયન ભાઈઓને વિમ્બલ્ડનમાં પરાજય આપ્યો હતો.

પહેલા સેટમાં બંને જોડીઓએ શરૂઆતમાં એક પછી એક પોઇન્ટ જોડ્યા. બંને જોડીએ પાંચ-પાંચ બ્રેક પોઇન્ટ હાંસલ કર્યા, પરંતુ બોપન્ના-મેર્જિયાએ આમાંથી ત્રણ પોઇન્ટ, જ્યારે બ્રાયન બંધુઓએ બે પોઇન્ટ મેળવ્યા હતા. આઠમી ક્રમાંકિત જોડી બોપન્ના-મેર્જિયા માટે બીજો સેટ થોડો આસાન રહ્યો અને તેઓએ હરીફ જોડીની સર્વિસ બ્રેક કરીને ૨-૦ની સરસાઈ હાંસલ કરી લીધી. ત્યાર બાદ પોતાના શાનદાર પ્રદર્શનથી તેઓએ બ્રાયન બંધુઓ પર દબાણ બનાવી રાખ્યું. અમેરિકન જોડીએ મેચમાં ઘણી ભૂલો કરી હતી.

દુનિયાની ટોચની આઠ જોડીઓની આ ટૂર્નામેન્ટમાં અંતિમ અને આઠમી જોડીના રૂપમાં ક્વોલિફાય કરનારા બોપન્ના અને મેર્જિયાની જોડી હાલમાં ચાર ટીમના પોતાના ગ્રૂપમાં ટોચ પર છે અને તેમનો મુકાબલો આગામી મેચમાં બ્રિટનના જેમી મરે અને ઓસ્ટ્રેલિયાના જાન પિયર્સની ચોથા નંબરની જોડી સામે થશે. જેમી અને પિયર્સે પાંચમા ક્રમની જોડી ઇટાલીના સિમોન બોલેલી અને ફાબિયો ફોગનિનીને ૭-૬, ૩-૬, ૧૧-૯થી પરાજય આપ્યો હતો.

You might also like