રોકી હેન્ડસમ ફિલ્મ રિવ્યુ

જોન અબ્રાહમના પ્રોડક્શનમાં બનેલી ડિરેક્ટર નિશિકાંત કામતની ફિલ્મ રોકી હેન્ડસમમાં જોન મુખ્ય પાત્ર છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે શ્રુતિ હાસન અને બેબી દિયા છે. ફિલ્મમાં વિલન તરીકે પહેલી વાર ડિરેક્ટર નિશિકાંત કામત જોવા મળશે. કોરિયન ફિલ્મ ધ મેન ફ્રોમ નો વેરની ઓફિશિયલ રિમેકમાં પહેલી વખત થાઇ એક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોકી ગોવામાં રહે છે, પરંતુ તે ક્યાંથી આવ્યો, શું કરે છે તે વિશે કોઇને કંઈ જ ખબર નથી. કોઈને પૈસાની જરૂર હોય તો રોકી તેની પાસે વસ્તુ ગીરવે રાખીને બદલામાં તેને પૈસા આપે છે. રોકીની બાજુમાં નિયામી નામની એક નાનકડી છોકરી રહે છે, જે રોકીને હેન્ડસમ કહીને બોલાવે છે. એક દિવસ નિયામી આવીને રોકીને ત્યાં એક કેમેરા ગીરવે મૂકીને ઉછીના રૂપિયા લઇ જાય છે. એ કેમેરા લેવા કેટલાક લોકો આવે છે, પરંતુ રોકી તેમને કેમેરા આપતો નથી, કેમ કે જેની વસ્તુ તેણે લીધી હોય તેને જ પાછી આપવી તેવો તેનો નિયમ છે. જે લોકો આવ્યા હતા તે હવે નિયામીને કિડનેપ કરી લે છે.
નિયામી સાથેની દોસ્તીના કારણે રોકીનો એ ગુંડાઓ સાથે સામનો થાય છે. રોકી સામે ટકવું અઘરું છે, પરંતુ સામા પક્ષે ગોવાનો સૌથી મોટો ડ્રગ માફિયા કેવિન (નિશિકાંત કામત) છે. કેવિનના ‌ખિસ્સામાં ગોવાની પોલીસ છે. પોલીસ રોકી વિશે બધી તપાસ કરીને કેવિનને વોર્નિંગ આપે છે કે રોકીની અડફેટે ચડવા જેવું નથી. અહીંથી રોકીનો ભૂતકાળ શરૂ થાય છે. એક સમયે રોકી પોતે ડોન હતો, પરંતુ ગર્લફ્રેન્ડ રુક્ષિદા (શ્રુતિ હાસન)એ તેની ગુંડાગીરીના કારણે જીવ ગુમાવતાં તે હવે ગોવા આવીને શાંતિની જિંદગી જીવી રહ્યો છે. રોકીની શાંતિને હણવાનું કામ કેવિન કરે છે. રોકી હેન્ડસમ બધું ભૂલીને નિયામી માટે મેદાનમાં ઊતરે છે.

You might also like