રોબર્ટ વાડરા સાથે ઈ-મેઇલની આપ-લે થઈ હોવાની સંજય ભંડારીની કબૂલાત

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાની લંડનમાં બેનામી સંપત્તિના મામલામાં ઘેરાયેલ વિવાદિત શસ્ત્રોના સોદાગર સંજય ભંડારીએ એકરાર કર્યો છે કે તેમના ઘર પર દરોડા દરમિયાન કમ્પ્યૂટરમાંથી પ્રાપ્ત ઈ-મેઈલ તેમની અને રોબર્ટ વાડરા વચ્ચે શેર કરવામાં આવ્યા હતા. સંજય ભંડારીએ રોબર્ટ વાડરા સાથે ઈ-મેઈલમાં થયેલી વાતચીતને સાચી ગણાવી છે. સંજય ભંડારીએ જણાવ્યું છે કે તેમણે રોબર્ટ વાડરા અને વાડરાના આસિસ્ટન્ટ મનોજ અરોરા વચ્ચે પણ મેસેજની આપ-લે કરી હતી.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર ઈન્કમટેક્સના અધિકારીઓએ દરોડા બાદ એ અહેવાલને સમર્થન આપ્યું છે કે સંજય ભંડારી અને વાડરા વચ્ચે ૪ એપ્રિલ, ૨૦૧૦ના રોજ ઈ-મેઈલની આપલે થઈ હતી. આ બંને મેઇલ યાહૂ મેઇલ આઈડીથી મોકલવામાં આવ્યા હતા, જેમાં લંડનના એક એપાર્ટમેન્ટમાં ઇન્ટિરીયરની વાત કરવામાં આવી હતી. વાડરાએ પોતાના લંડન સ્થિત એપાર્ટમેન્ટના રિનોવેશનની વાત આ ઈ-મેઇલમાં કરી હતી.

૧૨ એલ્લર્ટન હાઉસ, બ્રાયંસ્ટન સ્કવેર પર આવેલું આ ઘર રૂ. ૧૯ કરોડમાં ખરીદવામાં આવ્યું હતું. આ સોદો ઓક્ટોબર-૨૦૦૯માં થયો હતો અને જૂન ૨૦૧૦માં તેને વેચી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર ગયા મહિને એન્ફોર્સમેન્ટ એજન્સીએ ભંડારીનાં ૧૯ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટેક્સ અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આ દરોડા બાદ બે તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ મામલાની તપાસ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગે ૫ મે, ૨૦૧૬ના રોજ સાત દેશને ભંડારી સાથે સંકળાયેલી જમીન અંગે માહિતી આપવા પત્ર લખ્યો હતો. આ સાત દેશોમાં બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, યુકે, દુબઈનો સમાવેશ થાય છે કે તેનો જવાબ આવવાનો બાકી છે.

એક ઈ-મેઇલ સાથે બીડવામાં આવેલા દસ્તાવેજ પરથી ખબર પડી છે કે લંડનમાં એક એપાર્ટમેન્ટના રિનોવેશન માટે પહેલાં ૨૮,૦૦૦ પાઉન્ડનો એસ્ટીમેટ આપવામાં આવ્યો હતો, તેમાં બીજી કેટલીક વસ્તુઓ ઉમેરાતાં એસ્ટીમેટ ૩૫,૦૦૦
પાઉન્ડ સુધી પહોંચી ગયો હતો. આ એસ્ટીમેટ ભંડારીના સંબંધી સુમિત ચઢ્ઢાએ બનાવ્યો હતો.

You might also like