ગુરુકુળ રોડ અને નારણપુરામાં એક જ રાતમાં બે મકાનનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ, શુક્રવાર
શહેરના નારણપુરા અને મેમનગર વિસ્તારમાં એક જ રાતમાં બે મકાનનાં તાળાં તૂટ્યાં હોવાની ઘટના બની છે. બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કુલ રૂપિયા ૩.૨૭ લાખની મત્તાની તસ્કરોઅે ચોરી કરી હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત અેવી છે કે નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે અાવેલા અાસોપાલવ ફ્લેટમાં શૈલેશભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેઅો દૂરદર્શનના ટેક‌િનકલ વિભાગમાં સિનિયર ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે વહેલી સવારે તેમનો પરિવાર ઘર બંધ કરી શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયો હતો.

સવારના ૮ વાગ્યાની અાજુબાજુ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરના બેડરૂમમાં તપાસ કરતાં તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૭ હજાર મળી કુલ રૂપિયા ૧.૩૩ લાખની મતાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

બીજા બનાવમાં ગુરુકુળ રોડ ઉપર અાવેલ તીર્થનગર સોસાયટીમાં બાબુભાઈ કાક‌િડયા તેમની પત્ની સાથે રહે છે. તેમનો પુત્ર અમેરિકા ખાતે રહે છે. ૧૨ દિવસ અગાઉ બાબુભાઈ તેમનાં પત્ની સાથે દાંડીમાં અાવેલા શિવકૃપાનંદ સ્વામી સમર્પણ અાશ્રમ ખાતે ધ્યાન શિબિરમાં ગયા હતા. તેમણે તેમના ઘરના મુખ્ય દરવાજાને લોક માર્યું હતું અને ઉપરના દરવાજાની ચાવી તેમના અોળખીતા દિલીપભાઈ શાહને અાપી હતી.

બાબુભાઈના ઘરે ઉપરના માળે દરરોજ ઘણા લોકો ધ્યાન કરવા અાવતા હોઈ ગઈ કાલે વહેલી સવારે દિલીપભાઈને ઘરના નીચેના ભાગે લોખંડની ગ્રિલ તૂટેલી જણાઈ હતી. ઘરની અંદર તપાસ કરતાં સરસામાન વિખરાયેલો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૪૦ હજાર મળી કુલ રૂપિયા ૧.૯૪ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘાટલો‌િડયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અેક જ રાતમાં તસ્કરો ત્રાટકી કુલ રૂ. ૩.૨૭ લાખની મતા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે.

You might also like