‘લૂંટો ઔર લૂંટને દો’કી વહી રફતાર

સવાલ કૌભાંડી નીરવ મોદી આણિ મંડળીનો છે. તો સાથે સામેલ સૌ કૌભાંડીઓનો પણ છે.

ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળું મારવા હાંફળા-ફાંફળા બની દોડાદોડ કરી મૂકવી, એ હવે એક પ્રકારની સરકારી સંસ્કૃતિ બની ગઈ છે. ડાયમન્ડની દુનિયાના બેતાજ બાદશાહ ગણાતા નીરવ મોદી હજારો કરોડનું ફૂલેકું ફરવીને ગાયબ થઈ ગયા છે. પંજાબ નેશનલ બેંકની મુંબઈની એક શાખાએ નીરવ મોદીને લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગદ્વારા જે કરવું હોય તે કરી લેવાની છૂટ આપી દીધી અને એમણે પીએનબી, ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક કોમર્સ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, એક્સિસ બેંક અને અલ્હાબાદ બેંકની વિદેશની જુદી-જુદી શાખાઓમાંથી અધધધ… કહી શકાય એટલા રૂ.૧૧૪૦૦ કરોડ, જે આંકડો કહેવાય છે કે વધતો જાય છે… તેટલાનું કરી નાંખ્યું! થોડા જ કલાકોમાં બેંક, સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને નાણા મંત્રાલયની એજન્સીઓએ નીરવ મોદીનો જ્યાં પણ નીસંભળાતો હોય ત્યાં ત્યાં દરોડાઓ પાડીને તાબડતોબ રૂ.૧૧૪૦૦ કરોડ વસૂલીલીધા છે. તેટલું સિદ્ધ કરી દેવા કમર કસી છે. સીબીઆઈની લૂકઆઉટ નોટિસ પછી આખી દુનિયાના દેશો નીરવ મોદીને ઝડપી પાડવા ભારતને મદદ કરવા સાવધ બની ચૂક્યા છે.

આપણા અર્થતંત્ર પર જબરદસ્ત પ્રહાર સમાન વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આ અગાઉ હર્ષદ મહેતા, કેતન પારેખ, સત્યમ્, જેવા કેટલાય ગોટાળાઓનો ભોગ દેશ બની ચૂક્યો છે અને દર વખતે જે તે સમયની સરકારો તેમાંથી નવો બોધપાઠ લે છે અને ફરી એ પ્રકારનું કૌભાંડ ન થાય તે માટેની વ્યવસ્થાઓ વિચારે છે. ભારત જેવા વિકાસશીલ દેશને આવા કમરતોડ પ્રહારોમાંથી મુક્ત કેમ બનાવવો તેની સંજીવની હજુ સરકારોને જડતી જ નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં તારણ મુજબ બેંકોમાં થઈ શકતા ફ્રોડ ત્રણ પ્રકારનાં ખાસ કરીને હોય છે. એક, ડિપોઝિટ સાથે સંકળાયેલા, બીજા લોન સાથે સંકળાયેલા અને ત્રીજા બેન્કિંગ સેવાઓ સાથે સંકળાયેલા. સવાલ એ છે કે અનુભવોમાંથી પસાર થયા પછી પણ બેંકોમાં કૌભાંડ પર અંકુશ આવી શક્યો નથી. આ વખતે સવાલ નીરવ મોદી એન્ડ કં.ના કારસ્તાન કરતાં સમગ્ર સિસ્ટમ સામે સવાલો ખડા થયા છે. પ્રથમ નજરે જ સાબિત થાય છે કે બેંકના બે નહીં, પરંતુ ઘણા બધા ટોચના અધિકારીઓની સંડોવણી હોવી જોઈએ. તો જ આ પ્રકારની ગોઠવણશક્ય બને અને માત્ર એલઓયુના કાગળ પર જ કરોડો રૂપિયાની લોન અપાઈ જાય. બેંકોમાં ખાસ કરીને મોટી રકમની લેવડદેવડ પર નજર રાખવા માટે કેટલાય સ્તરે ચોક્કસ વ્યવસ્થા હોય જ છે, છતાં પંજાબ નેશનલ બેંકના કિસ્સામાં એકાદ-બે વાર નહીં, પરંતુ લગાતાર વર્ષો સુધી આ ધોખાબાજીનો સિલસિલો સિફતપૂર્વક ચાલુ રહી શક્યો. તે જ દર્શાવે છે કે હજારો કરોડના અવિરત ચાલતા કૌભાંડમાં બેંકના સિનિયર અધિકારીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેવા પદાધિકારીઓ, ચૅરમેન ઉપરાંત બેંકની પર સત્તા ભોગવતા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સ્તરે મોટા માથાઓની વ્યવસ્થિત સામેલગીરી સિવાય આવું કૌભાંડ સર્જી શકાય જ નહીં. નીરવ મોદી તો માત્ર હિમશિલાની ટોચ છે.

સવાલ કૌભાંડી નીરવ મોદી આણિ મંડળીનો છે. તો સાથે સામેલ સૌ કૌભાંડીઓનો પણ છે. આમ છતાં સૌથી મોટો સવાલ આપણા નીંભર વ્યવસ્થા તંત્ર અને નિયતનો છે. વિચાર કરો, વર્ષોથી ચાલતાં આ કૌભાંડમાં બેંકોના નિયમિત થતાં ઓડિટમાં પણ ક્યારેય કોઈ ગરબડ થયાની નોંધ ન આવી! બેંકોની આંતરિક ચોકસાઈ કેટલી ખોખલી છે, તે સમજવા માટે આનાથી વધુ ખરાબ ઉદાહરણ બીજું ક્યું હોઈ શકે? નાણા મંત્રાલયની વાત કરીએ તો સામાન્ય માણસ સાથે નાના-મોટા કિસ્સાઓમાં બેઈમાન સમજીને તેની સાથે વ્યવહાર કરાય છે. આવકવેરા ખાતાના અધિકારીઓ પોલીસ જેવો વર્તાવ કરે છે અને લલિત મોદી, વિજય માલ્યા કે નીરવ મોદી જેવાને છૂટથી લૂંટ કરવા દે છે. આ ઓછું હોય તેમ, આ કિસ્સામાં તો વડાપ્રધાન કાર્યાલયની સુસ્તી પણ તદ્દન આઘાતજનક સાબિત થઈ છે. કહેવાય છે કે, ર૦૧૭માં જ પંજાબ નેશનલ બેંકમાં સતત ચાલી રહેલા આ કૌભાંડ અંગે વડાપ્રધાન કાર્યાલયને જાણ કરવામાં આવેલી, પરંતુ કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બનેલી આ કચેરી પણ યંત્રવત્ કાગળથી પ્રક્રિયા સુધી જ અસરકારક છે, તેવું સાબિત થયું છે.

સરકારી તંત્રની નીંભરતા એ હદે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જૂન-ર૦૧૭ના અહેવાલ પ્રમાણે ભારતીય બેંકોમાં એનપીએ એટલે કે ડૂબી ચૂકેલા નાણાની રકમ રૂ.૭,૩૩,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. યા તો સરકારની બેંકોની નાણાકીય શિસ્ત પર ધાક નથી, યા તો સરકાર અને બેંકોની આવા કૌભાંડમાં સામેલગીરી છે તે સાબિત થાય છે.

આંકડાઓ પર નજર કરીએ તો આવી નેક્સસ કેટલી વિકરાળ છે તે સમજાય છે. બેંકોની કુલ એનપીએ રકમના રપ ટકા માત્ર ૧ર જ કંપનીઓના નામે છે, બાકીનાં ૭પ% ૪૮૮ કંપનીઓનાં નામે છે. ભારતની આ ભડવીર કહેવી પડે એવી બાર કંપનીઓમાં (૧) ભૂષણ સ્ટીલ લી-રૂ.૪૪૪૭૮ કરોડ, (ર) લેંકો ઈન્ફ્રાટેક-રૂ.૪૪૩૬૪ કરોડ, (૩) એસ્સાર સ્ટીલ લી-રૂ.૩૭ર૮૪ કરોડ, (૪) ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લી-રૂ.૩૭ર૪૮ કરોડ, (પ) આલોક ઇન્ડસ્ટ્રીઝ-રૂ.રર૦૭પ કરોડ, (૬) એમટેક ઓટો લી. રૂ.૧૪૦૭૪ કરોડ, (૭) મોનેટા પાર્ટ્સ એન્ડ એન્જિનિયરિંગ- રૂ.૧ર૧૧પ કરોડ, (૮) ઇલેક્ટ્રો સ્ટીલ ટીન લી.-રૂ.૧૦ર૭૩ કરોડ, (૯) ઈરા ઇન્ડ. એન્જિનિયરિંગ લી.-૧૦૦૬પ કરોડ, (૧૦) જેપી ઇન્ફ્રાટેક લી-રૂ.૯૬૬પ કરોડ, (૧૧) એબીજી શિપયાર્ડ કાું. રૂ.૬૯પ૩ કરોડ અને (૧ર) જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂ.પ૧૬પ કરોડ સામેલ છે. સરકાર આ બધી જ કંપનીઓ સામે પૈસા વસૂલવા લાચાર છે. યાદ રહે, આ બધી જ કંપનીઓએ જે-તે સમયે જે તે સરકારોને, જે-તે બેંકોને વચનો આપેલાં, સ્વપ્નાઓ બતાવેલાં કે આ લોન થકી દેશનું અર્થતંત્ર વેગવાન બનશેદેશની પ્રગતિ થશે, દેશ વિશ્વગુરુ બનશે, બીજા દેશોને આપણે સ્પર્ધામાં પાછળ પાડી દઈશું, વગેરે… વગેરે.. અને આ સ્થિતિ થયા પછી આ જ સરકારો બધું જ જાણવા છતાં નિરૂપાય છે!

આપણે, ખાસ કરીને રાજકારણીઓ બીજા દેશની ટીકા-નિંદા કરવામાં થાકતા નથી, પણ પશ્ચિમના કે અન્ય કેટલાય દેશોમાં આવા કૌભાંડો બહાર આવે ત્યારે તેની સંનિષ્ઠ તપાસ થાય છે, સત્યને ઉજાગર કરાય છે અને જવાબદારોમાં ગમે તેવા શક્તિશાળી પદાધિકારી હોય તો પણ તેની સામે પારદર્શિતા સાથે પગલાં ભરાય છે. આવું એટલા માટે કરાય છે કે નાગરિકોની બેન્કિંગ વ્યવસ્થા અને સરકારોની નિયત સામેની વિશ્વસનીયતા ટકી રહે. આપણે ત્યાં વર્ષોનો અનુભવ કહે છે કે વિશ્વનીયતાની કોઈ સ્તરે ચિંતા થતી હોય તેવું દેખાતંુ નથી. તંત્રની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા અને કાર્યનિષ્ઠા સામે અનેક સવાલો લોકમનમાં છે, છતાં લોકોની ચિંતાનો ઉપાય કરવાની જરૂરી પ્રાથમિકતા પણ દર્શાવાતી નથી.

અત્યંત અફસોસજનક બાબત એ છે કે અત્યારે સરકારી સ્તરે જાણે એટલી જ ચિંતા દેખાય છે કે નીરવ મોદીનો ફોટો વડાપ્રધાન સાથે છે, તેમાં વડાપ્રધાનનો દોષ નથી અથવા વડાપ્રધાને મેહુલભાઈનું જે પ્રેમપૂર્વક સંબોધન કરેલું તેનો બચાવ કેવી રીતે કરવો! રવીશંકર પ્રસાદ કે નિર્મલા સીતારમન જેવા નાણા વિભાગને પોતાને લાગતંુ વળગતંુ ન હોવા છતાં જે રીતે બચાવમાં ઊતરી પડ્યા છે, તે દયાજનક છે.

વળી, પાંચ હજાર કરોડની કિંમતની સંપત્તિ જપ્ત કરાઈ છે, તેવા સમાચારો પ્રચાર માધ્યમોમાં ફેલાઈ ચૂક્યા, પરંતુ પંજાબ નેશનલ બેંકે તેને સમર્થન આપ્યંુ નથી! જાણકારોનું કહેવંુ એવું છે કે નીરવ મોદી દસ રૂપિયાના પ૦૦ કરી વેચતા, તો આ પ૦૦૦ કરોડની સાચી કિંમત શું હશે? તેવા પણ સવાલો ખડા થયા છે!

કુલ મળીને જોઈએ તો આવા ગંભીર કૌભાંડના ખૂલ્યા પછી પણ આપણી છીછરી રાજનીતિ દેશને બરબાદ કરી રહી છે. નિષ્ઠા માત્ર પ્રવચનોમાં જ હાવી રહે એ દેશને પોષાય તેમ નથી. દેશની તિજોરીની પાઈ-પાઈ પર નજર રાખવા આંતર-બાહ્ય પવિત્રતા જે અત્યંત જરૂરી છે, તેનો આગ્રહ ક્યાંય સેવાતો હોય તેવું જણાતું નથી, અન્યથા બે-ચાર કૌભાંડોના અનુભવે દેશ એટલો એલર્ટ બની જાય કે કોઈ કૌભાંડ આચવાની હિંમત સુદ્ધાં ન કરી શકે. નાગરિકોએ એ દિવસ જોવા માટે રાહ જોવી કે અન્ય વિકલ્પ પસંદ કરવો, તે દેશના નાગરિકના હાથની વાત છે અન્યથા લૂંટો ઔર લૂંટને દોતો ચાલી જ રહ્યું છે.

——————————–.

You might also like