બહાર સુતેલી વૃદ્ધાના કાન કાપી અજાણ્યો શખસ સોનાની કડીની લૂંટ કરી ફરાર

અમદાવાદ: ધોળકા-ધોલેરા રોડ પર અાવેલા પુનિતનગરમાં ગત મોડી રાત્રે ઘરના બહાર ખાટલામાં સુતેલી એક વૃદ્ધાના તિક્ષ્ણ હથિયારથી કાન કાપી અજાણ્યા શખસે સોનાની કડીની લૂંટ ચલાવી હતી. અા અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાતા પોલીસે અારોપીની શોધખોળ શરૂ કરી છે.

અા અંગેની વિગત એવી છે કે ધોળકા-ધોલેરા રોડ પર અાવેલી પુનિતનગર નામની સોસાયટીમાં હીરાબહેન કરમસિંહ ગોયાણી (ઉં.વ.૬૫) પોતાના પરિવાર સાથે રહે છે. ગત રાત્રે હીરાબહેન પોતાના ઘરની બહાર ખાટલામાં સુઈ રહ્યા હતા તે દરમિયાનમાં અચાનક જ એક અજાણ્યો શખસ તેમની પાસે ધસી અાવ્યો હતો અને તિક્ષ્ણ હથિયાર વડે તેમના કાનની ધારી ઉપર ઘા મારી અને સોનાની કડી કાઢી લીધી હતી.

અચાનક જ હુમલો થતા હીરાબહેન ડઘાઈ ગયા હતા અને બુમાબુમ કરી મૂકી હતી. જેથી ઘરમાં રહેલા તેમના પુત્ર અને પુત્રવધુ તથા અાસપાસના લોકો દોડી અાવ્યા હતા અને અજાણ્યા શખસ સોનાની કડી નગ ૪ કિંમત રૂ. ૮ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત હીરાબહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અા અંગે ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અારોપી શખસની શોધખોળ શરૂ કરી છે.

You might also like