વિશાલા સર્કલ નજીક વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લૂંટ

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર લૂંટારાઓએ તરખાટ મચાવવાનું શરૂ કર્યું છે. વિશાલા સર્કલ નજીક ગત રાત્રે એક્ટિવા પર આવેલા બે શખસ વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી રોકડા રૂપિયા અને કીમતી માલસામાન ભરેલી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.

વિશાલા સર્કલ પાસે આવેલી બાગબાન રેસિડેન્સીમાં ઝહીરભાઇ ફરીદભાઇ અન્સારી (ઉં.વ.ર૭) રહે છે. નજીકમાં જ આવેલા સનરાઇઝ આર્કેડમાં ઝહીરભાઇ પાન મસાલાનાે હોલસેલનો વેપાર ધંધો ચલાવે છે. ગઇ કાલે રાત્રે ૯-૩૦ વાગ્યે ઝહીરભાઇ દુકાન બંધ કરી અને ધંધાના વકરાના રૂ.૭પ,૦૦૦, આઇપેડ રૂ.૧પ,૦૦૦ અને મોબાઇલ ફોન રૂ.પ,૦૦૦ વગેરે એક બેગમાં મૂકીને ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાનમાં તેઓ પોતાની સોસાયટીના ગેટ નજીક પહોંચ્યા ત્યારે એક એકિટવા પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને ઝહીરભાઇની નજીક આવી તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી તેમના હાથમાં રહેલી બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

આંખોમાં બળતરા અને લૂંટ થતાં ઝહીરભાઇએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાનમાં બંને ઇસમો એક્ટિવા પર નાસી છૂટયા હતા. બીજી તરફ પોલીસને જાણ કરતાં વેજલપુર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

પોલીસે સનરાઇઝ આર્કેડમાં લાગેલા CCTV, દુકાનમાં કામ કરતા કારીગરોની પૂછપરછ શરૂ કરી છે. લૂંટ કરતાં અગાઉ લૂંટારુઓએ દુકાનથી ઘર સુધી રેકી કરી હોવાનું પોલીસ માની રહી છે.

You might also like