બહેનની છેડતી કરતા કોલેજિયનોનો ફોટો પાડતાં મોબાઈલ લૂંટી લીધો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. મહિલાઓ મોડી રાતે પણ એકલાં ઘરે જઈ શકે છે તેવી વાતો પોલીસ કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. રક્ષાબંધનની રાતે બે ભાઈઓ બહેનની સાથે હોટલમાં જમીને ઘરે પરત આવતા હતા ત્યારે શહેરના ચંદ્રનગર છ રસ્તા પાસે બે એક્ટિવા પર આવેલા ચાર શખ્સોએ આવીને બોલાચાલી અને છેડતી કરતાં ભાઈએ ચારેય શખ્સનાે ફોટો પાડતાં તેઓ ઝપાઝપી કરી મોબાઈલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં પાલડી પોલીસે લૂંટ કરનાર ચાર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ખોખરાના મદ્રાસી મંદિરની બાજુમાં આવેલ રેલવે કોલોનીમાં ધનરાજ દુરગવલી (ઉ.વ.21) રહે છે. રક્ષાબંધનની રાત્રે ધનરાજ તેમની પિતરાઈ બહેન કિંજલ અને ચિરાગ સાથે એસ.જી. હાઇવે પર જમવા ગયા હતા. રાતના નવ વાગ્યાની આસપાસ તેઓ ચંદ્રનગર છ રસ્તા પાસે પહોંચ્યા ત્યારે એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ધનરાજના એક્ટિવા આગળ તેમનું એક્ટિવા રાખી દીધું હતું અને સામે જોઈ રહેતાં ધનરાજે તેમને ઠપકો આપ્યો હતો. દરમ્યાનમાં ચિરાગ પણ આવી જતાં અન્ય બે યુવકો પણ એક્ટિવા લઈને આવી ગયા હતા. બોલાચાલી અને છેડતી કરતાં ધનરાજે તેનો મોબાઈલ કાઢીને ચારેય યુવકોનો ફોટો પડ્યો હતો, જેથી ચારેય શખ્સો મોબાઈલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. તેઓ બેમાંથી એક એક્ટિવા મૂકીને ફરાર થઇ ગયા હતા.

પાલડી પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધી લૂંટ કરનાર મહંમદ ઈન્ઝમામ રંગરેજ (ઉં.વ.18, રહે. પરીક્ષિતલાલનગર, બહેરામપુરા), મહંમદ વાસિદ શેખ (ઉ.વ.18, રહે. શાહ એપાર્ટમેન્ટ, દાણીલીમડા), સિરાઝ શેખ (ઉં.વ.18, રહે.અલકરમ રેસિડન્સી,નારોલ) અને ફરદીન હુસેન શેખ (ઉં.વ.18, રહે. પરીક્ષિતનગર, દાણીલીમડા)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ચારેય યુવકો કોલેજમાં અભ્યાસ કરે છે. એક્ટિવા પર જતા સમયે યુવતીની છેડતી જેવું કરતા ફોટો પાડતાં તેઓએ મોબાઈલની લૂંટ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like