વધુ એક લૂંટઃ શિક્ષકના રૂ.૧.૧૫ લાખ લૂંટી બાઈકર્સ ફરાર થઈ ગયા

અમદાવાદ: શહેરના નરોડા નિકોલ હાઇવે પર ગઇ કાલે ધોળા દિવસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખસો ગણતરીની સેકંડમાં ટયૂશન કલાસીસ ચલાવતા શિક્ષક પાસેથી રૂ.૧.૧પ લાખ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આંગડિયા પેઢીમાંથી દોઢ લાખ રૂપિયા લઇને ટયૂશન કલાસીસ ચલાવતા શિક્ષક બાઇક પર જઇ રહ્યા હતા તે સમયે આ ઘટના ઘટી હતી.

બાપુનગર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અને ટયૂશન કલાસીસ ચલાવતા જયેશભાઇ પ્રવીણભાઇ રાઠોડે રામોલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરાવી છે. ગઇ કાલે જયેશભાઇના રાજકોટ રહેતા મિત્ર ચિરાગભાઇએ ધંધો કરવા માટે દોઢ લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં મોકલાવ્યા હતા.  જયેશભાઇ જશોદાનગર ખાતે આવેલી આંગડિયા પેઢીમાંથી લીધેલા રૂ.૧.૧પ લાખ એક બેગમાં અને બીજા રૂ.૩પ,૦૦૦ શર્ટનાં ખિસ્સામાં મૂકયા હતા.

જયેશભાઇ રૂપિયા ભરેલી બેગ સ્ટીયરિંગ પર લટકાવીને નિકોલ વિસ્તારમાં આવેલા ટયૂશન કલાસીસ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂર્વ દીપ સોસાયટીના નાકા પાસે બાઇક પર આવેલા બે શખ્સે સ્ટીયરિંગ પર લટકાવેલી રૂ.૧.૧પ લાખ ભરેલી બેગ ખેંચીને જતા રહ્યા હતા. જયેશભાઇએ તેમનો પીછો કર્યો હતો પરંતુ બાઇકર્સ ભાગી ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like