ચોરી લૂંટફાટની ઘટના રોકવા સિનિયર પોલીસ અધિકારીના ક્લાસ લેવાયા

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમિયાન ચોર-લૂંટારુઓ સક્રિય બની ગુનાઓને અંજામ આપે છે. તહેવાર દરમિયાન આવા ચોરી અને લૂંટફાટમાં કિસ્સાને રોકવા શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘે એકશન પ્લાન બનાવી પોલીસને સતત એલર્ટ રહેવા સૂચના આપી છે. ગઈ કાલે પોલીસ કમિશનરે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને શહેરની અંદર જેટલા પણ ગુનાઓ બની રહ્યા છે તેને રોકવા જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં લૂંટફાટ અને ચોરીને લઈ પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીને બોલાવી આવા ગુનેગારોને ડામી દેવા સૂચના આપી હતી. શહેરના તમામ એસીપી કક્ષાના અધિકારીઓને પણ ગઈ કાલે ક્રાઈમ બ્રાંચ ખાતે ગુનેગારોની દરેક મોડસ ઓપરેન્ડી તેમજ રીઢા ગુનેગારોની અંગે સૂચનો આપ્યાં હતાં.

કોઈ પણ ચોરી અથવા લૂંટની ઘટના બને ત્યારે એસીપી કક્ષાના અધિકારીઓની પણ વિઝિટ કરવામાં આવે છે ત્યારે આવા ગુનેગારોને ઝડપવા એસીપી દ્વારા તેમના નીચલા અધિકારીને ગુનેગારોને કંઈ રીતે ઝડપવા તેનું માર્ગદર્શન આપી શકે તે માટે આયોજન કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં દિવાળીના તહેવારને લઈ પોલીસે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

You might also like