મરચાંની ભૂકી નાખી મોબાઈલની લૂંટ

અમદાવાદ: ગીતામંદિર વિસ્તારમાં આવેલા જૂના એસટી બસ સ્ટેન્ડ પાસે વહેલી પરોઢે બે યુવકોની આંખમાં મરચાંની ભૂકી નાખીને મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઇ રહેલા બે યુવકો પૈકી એક યુવકને લોકોના ટોળાએ પકડીને પોલીસને સોંપ્યો હતો. કાગડાપીઠ પોલીસે બે યુવકો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા બીલવાણી ગામમાં રહેતા પિન્ટુ સુનિયાભાઇ ગણાવા અને સુરેશ ગજુભાઇ માવી મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તારીખ 27 ફેબ્રુઆરીના રોજ રાતે પિન્ટુ અને સુરેશ વતનમાં જવા માટે ગીતામંદિર એસટી બસસ્ટેન્ડ પાસે આવ્યા હતા. તેઓ બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોઇ રહ્યા હતા. સવારે પાંચેક વાગ્યાની આસપાસ બન્ને જણા ચાની કીટલી પાસે ચા પીવા માટે ગયા હતા. દરમિયાનમાં બે યુવકો પિન્ટુ અને સુરેશ પાસે આવ્યા હતા. ટાઇમ શું થયો છે તેમ પૂછ્ંયુ હતું. જોતજોતામાં બન્ને યુવકો પિન્ટુ અને સુરેશની આંખમાં મરચાંની ભૂકી નાખીને બે હજાર રૂપિયાના મોબાઇલ ફોનની લૂંટ ચલાવીને નાસવા લાગ્યા હતા.

બન્ને જણાએ બૂમાબૂમ કરી મૂકતાં લોકોએ એક યુવકને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ દીપક કાળાભાઇ ખાંટ (રહે. ધનસુરા અરવલ્લી) હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અન્ય ફરાર થઇ ગયેલા યુવકનું નામ મૂકેશ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like