બંદૂકની અણીએ આંગડીયા પેઢીમાં ધોળા દિવસે લૂંટ

પાલનપુર: બનાસકાંઠા જીલ્લામાં લુંટ અને ધાડની ઘટના સામાન્ય બની ગઈ છે, ત્યારે આજે રાજસ્થાન બોર્ડર પર આવેલા પાંથાવાડા ગામે ધોળા દિવસે ત્રણ લોકોએ હથિયાર સાથે લુંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે લુંટ ચલાવનારા શખ્સોની શોધખોળ હાથધરી છે.

રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા પાંથાવાડા ગામની જયંતિભાઈ સોમાભાઈ આંગડીયા પેઢીમાં આજે બપોરના સુમારે જ્યારે આંગડિયા પેઢીના કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ આજે ત્રણ અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. માત્ર બે જ મિનીટના ટૂંકા સમયમાં આ ત્રણે શખ્શો દ્વારા હથિયાર બતાવી લુંટ ચલાવી ફરાર થઇ ગયા. સૌથી મહત્વની બાબત તો એ છે કે આ આંગડિયા પેઢી પાંથાવાડા ગામની મધ્યમાં આવેલી છે, જે આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી તે પાંથાવાડા પોલીસ સ્ટેશનની ખુબજ નજીક આવેલ છે, છતાં દિવસ દરમ્યાન બનેલી આ ઘટનાને લઇને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

આજે થયેલી આ લુંટમાં આંગડીયા પેઢીમાંથી કુલ ૩ લાખ ૭૦ હજાર જ્યારે ૪ હીરાના પાર્સલ લુંટારૂઓ લઇ ગયા છે. બંદુકધારી આ ત્રણે શખ્સો લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ધોરણે જીલ્લામાં નાકાબંદી કરી તપાસ હાથધરી છે. લુંટારાઓ દ્વારા જે પ્રકારે દિવસમાં ધોળા દિવસે લુંટ ચલાવવામાં આવી તેને લઇ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. જયારે જીલ્લાની SOG અને LCB પણ લુંટારાની શોધખોળ હાથધરી છે.

સૂત્રોનું માનીએ તો આ લુંટ ચલાવનારા શખ્સો હિન્દી ભાષી હતા. સદનસીબે આજે મોટી લુંટ થતી બચી છે કારણ કે આ પેઢીમાં જે સુરત અને મુંબઈથી જે માલ આવવાનો હતો તે આવ્યો ન હતો. જો તે આવ્યો હોત તો લુંટારાઓ મોટી મત્તા હાથ લાગી હોત. પોલીસે આ મામલે અત્યારે તપાસ હાથધરી છે ત્યારે જોવાનું એ રહેશે કે આખરે પોલીસ આ લુંટારાઓને કેટલા સમયમાં પકડી પાડે છે.

You might also like