ભાડજ ગામમાં એસબીઆઈના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ

અમદાવાદ, સોમવાર
શહેરના છેવાડે આવેલા ભાડજ ગામમાં ગઈ કાલે મોડી રાતે એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ભાડજ ગામમાં આવેલા કેસરભુવન કોમ્પ્લેક્સમાં ગઈ કાલે મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં રોડ પર આવેલા એસબીઆઈના એટીએમમાં તસ્કરોએ ઘૂસી ચોરીનો પ્રયાસ કર્યો હતો, જોકે તસ્કરોથી એટીએમ ન તૂટતાં મોટી ચોરીની ઘટના બનતાં અટકી હતી.

ઘટનાની જાણ પોલીસને કરાતાં સોલા પોલીસ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. કોઈ વાહનમાં તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાની પોલીસને આશંકા લાગી રહી છે. તસ્કરોએ એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. એટીએમનો દરવાજો તોડીને તેઓ અંદર પ્રવેશ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આખી રાત ભાડજ તરફના રસ્તાઓ પર લોકો આવતા-જતા હોવા છતાં તસ્કરો એટીએમમાં ચોરી કરવા ઘૂસી ગયા હતા. સિક્યોરિટી ગાર્ડ ન હોવાના કારણે આવી ચોરીઓને તસ્કરો અંજામ આપતા હોય છે, જોકે એટીએમ ન તૂટતાં મોટી ચોરીની ઘટના બનતાં અટકી ગઈ હતી.

You might also like