ઇસનપુર, નિકોલ, થલતેજમાં મકાનોના તાળાં તૂટ્યા, જાણો વિગત

શહેરનાં ઇસનપુર અને નિકોલ વિસ્તારમાં તસ્કરોએ બે મકાનનાં તાળાં તોડી આશરે રૂ.ત્રણ લાખની માલમતાની ચોરી કરતા પોલીસે આ અંગે ગુના દાખલ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ઇસનપુરમાં મહાવીર સ્કૂલની પાછળ આવેલ તપોભૂમિ સોસાયટીના એક મકાનનાં દરવાજાનાં તાળાં તોડી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.૧ લાખ ૩૧ હજારની મતાની ચોરી કરી હતી. જ્યારે નિકોલમાં જીઆઇડીસી નજીક કઠવાડા ગામ ખાતે આવેલ શ્યામવિલા સોસાયટીના એક મકાનમાં પણ તસ્કરોએ ત્રાટકી તિજોરી તોડી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.૧.૭પ લાખની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત કઠવાડા નજીક આવેલી એક દુકાનમાં પણ રૂ.૧૪ હજારની માલમતાની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
થલતેજ વિસ્તારની સોસાયટીના બે બંગલોમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના બે લક્ઝુરિસ બંગલામાં તસ્કરો ૧.૧૦ લાખ રૂપિયા રોક્ડની ચોરી કરીને ફરાર થઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બંગલામાં રહેતો પરિવાર સૂતો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

થલતેજ-શીલજ રોડ પર આવેલા હરિહરાશ્રય વિભાગ-૨ માં રહેતા અને બેટરીની ડીલરશિપ ધરાવતા પ્રવીણસિંહ હેમંતસિંહ ગોહીલે સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. બે દિવસ પહેલાં પ્રવીણસિંહ તેમનાં પત્નીઅને પુત્ર સૂવા માટે બેડરૂમમાં ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી. વહેલી સવારે પ્રવીણસિંહ ઉઠ્યા ત્યારે તેમને તેમના ઘરનો સરસામાન વેરવિખેર જોયો હતો.

તસ્કરો મોડી રાતે દરવાજાની બાજુમાં આવેલી બારી ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા અને લાકડના કબાટમાંથી ૪૦ હજાર રૂપિયાની ચોરી કરી હતી ત્યારબાદ તસ્કરોએ થીએટર રૂમમાંથી ૨૦ હજાર રુપિયા રોક્ડની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પ્રવીણસિંહે અડોશપડોશમાં પૂછપરછ કરતાં તેમને જાણવા મળ્યુ હતું કે તેમના પડોશમાં રહેતા ભરતભાઇ
શાસ્ત્રીનાં મકાનનો નકૂચો તોડીને તસ્કરોએ ૫૦હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

હરિહરાશ્રય બંગલોઝના બે મકાનમાં એક જ દિવસે ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. પ્રવીણસિંહે તાત્કાલીક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. સોલા પોલીસે ઘટનાની ગંભીરતા લઇને વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તસ્કરો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ દાખલ કરીને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસે આરોપીઓને પકડવા માટે ડોગ સ્કોડ અને એફએસએલની ટીમની પણ મદદ લીધી છે.

You might also like