જીવરાજપાર્કમાં મોડી રાતે લુંટારું ત્રાટક્યાઃ દંપતીને છરી બતાવી લૂંટ

અમદાવાદ: શહેરણના વેજલપુર અને સરખેજ વિસ્તારમાં ફરી એકવાર ચોર- લુંટારુંઓનો આંતક શરૂ થયો છે. વેજલપુર અને સરખેજ પોલીસનો સહેજ પણ ડર રાખ્યા વગર હવે ચોરો ખુલ્લેઆમ ઘરમાં ઘૂસી અને લૂંટ તથા ચોરી કરી નાસી જાય છે. જીવરાજ પાર્કની કાદમ્બરી સોસાયટીના એક મકાનમાં મોડી રાતે ઘૂસેલા ચોરોએ મહિલાને છરી બતાવી લૂંટ ચલાવી હતી. દરમ્યાનમાં મહિલાના પતિ આવી જતાં તેઓ સાથે પણ ઝપાઝપી કરી નાસી ગયા હતા. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ જીવરાજપાર્ક વિસ્તારની કાદમ્બરી સોસાયટીના મકાન નંબર 13માં ચેતનાબહેન રણજિતસિંહ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે મોડી રાતે તેમના મકાનમાં ત્રણ શખ્સ ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. ચોર ઘરમાં ચોરી કરી રહ્યા હતા. તે દરમ્યાનમાં અવાજ થતા ચેતનાબહેન જાગી ગયા હતા. ઊઠીને ઘરમાં જોતાં ત્રણ ચોર ચોરી કરતા હોઈ તેઓએ બુમાબુમ કરી હતી. જેથી ચોરોએ તેમની પાસે રહેલી છરી કાઢી અને ધમકાવી રૂ. 8500ની મતા લૂંટી લીધી હતી.

દરમ્યાનમાં તેમના પતિ રણજિતસિંહ ગણપતિના ગરબા જોઈ અને ઘરે પરત ફરી રહ્યા હતા. તેમના ઘરની બહારથી ત્રણ શખશોને નીકળતા જોઈ તેઓને રોકવાનો પ્રયત્ન કરતા લૂંટારુઓએ રણજિતસિંહ સાથે ઝપાઝપી કરી હતી. પકડાઈ જવાના ડરે ત્રણેય ચોર નાસી ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતા વેજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ચેતનાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે વેજલપુર અને સરખેજ વિસ્તારમાં અનેક લુખ્ખાં તત્વો અને ચોરનો આંતક ફેલાયેલો છે છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની ગઈ છે. ડીસીપી કક્ષાના અધિકારી પણ આ વિસ્તારમાં થતા ચોર લુંટારુઓના આતંકને રોકવા માટે કોઈ ખાસ રસ નથી ધરાવતા. અનેક ફરિયાદ વેજલપુર અને સરખેજ પી.આઈ વિરુદ્ધ મળવા છતાં ઉચ્ચ અધિકારીઓ તેમની છાવરી અને પ્રજાને લૂંટાવા ચોર-લુંટારુંઓને પ્રોતાસાહિત કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ સરખેજ માં પણ આજ રીતે ઘરમાં ઘૂસી દંપતીને માર મારી લૂંટવાનો બનાવ બન્યો હતો જેમાં હજી સુધી આરોપી સુધી પહોંચી નથી ત્યારે એવો બીજો બનાવ બનતા પોલીસની કામગીરી આંખે ઊડીને વળગી છે.

You might also like