રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગના બે ઝડપાયા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કરતી ગેંગના બે શખસોને ગાંધીનગર એલસીબીઅે ઝડપી પાડ્યા છે. પોલીસે સોનાના દાગીના અને રિક્ષા મળી રૂ. ૨.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેમની અન્ય એક સાથી મહિલા અારોપીની શોધખોળ શરૂ કરી છે.

ગાંધીનગર એલસીબીનાં સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબી પીએસઅાઈ અાર. એન. વાઘેલા અને ટીમને બાતમી મળી હતી કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ચોરી કરનાર ગેંગના બે લોકો ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે, જેના અાધારે પોલીસે સેક્ટર-૨૩ સ્વામીનારાયણ મંદિર પાસેથી રિક્ષા સાથે અબ્દુલરઇસ ઉર્ફે રઇસુ અબ્દુલ રહીમ શેખ (રહે. વટવા, અલફનગર) અને અાસમહંમદ ખીલ્લુભાઈ મણિયાર (ઉ.વ. ૩૭, રહે. નરોડા પા‌િટયા, હુસેનનગર) ને ઝડપી લઈ તેઅો પાસેથી સોનાનું મંગળસૂત્ર, હાર કબજે કર્યાં હતાં. અા બંને શખસો અને તેમની સાથેની જ્યોત્સ્ના ઉર્ફે ભૂરી (રહે. કુબેરનગર) સાથે મળીને ‌રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતા હતા.

પંદરેક દિવસ પહેલાં એક બહેનને મોટા ચિલોડાથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેઅોની નજર ચૂકવી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી અને અા મુદ્દામાલ વેચવા જતાં તેઅો ઝડપાઈ ગયા હતા. પોલીસે અારોપીની ધરપકડ કરી મહિલા અારોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like