વટવામાં છ ફ્લેટનાં તાળાં તૂટ્યાં, તસ્કરોનો મહિલા પર હુમલો

અમદાવાદ, સોમવાર
શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે વહેલી પરોઢે વટવા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટના ૬ ફ્લેટનાં તાળાં તૂટતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરો બે લાખ કરતાં વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા છે. ફ્લેટમાં રહેતી એક મહિલાને તાળાં તૂટવાનો અવાજ આવતાં તે ચેક કરવા માટે ગઇ હતી, જ્યાં તસ્કરોએ તેના પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એપાર્ટમેન્ટમાં ૧૮ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે.

મ‌ણિનગર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં રહેતા રજનીશ પરમહંસ રાયે વટવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. રજનીશ રાયનો વટવા ગામ રોડ પર શક્તિ ગાર્ડ‌િનયા નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટ આવેલો છે. વહેલી પરોઢે રજનીશ રાયને ખબર પડી હતી કે તેમના ફ્લેટમાં ચોરી થઇ છે. મ‌િણનગરથી તે વટવા તેમના બીજા ફ્લેટમાં ગયા હતા, જ્યાં ફ્લેટનું તાળું તૂટેલું હતું અને ઘરનો સામાન વેર-વિખેર હતો. ફરિયાદી રજનીશ રાયે જણાવ્યું છે કે શક્તિ ગાર્ડ‌િનયા એપાર્ટમેન્ટના ૬ ફ્લેટનાં તાળાં તૂટ્યાં છે, જેમાં બે લાખ રૂપિયા કરતાં વધુના દાગીના અને રૂપિયાની ચોરી થઇ છે.

તસ્કરો ચોરી કરી રહ્યા હતા તે સમયે એક ફ્લેટમાં રહેતી રીતાબહેન ર‌િવભાઇ શર્મા નામની મહિલા જાગી ગઇ હતી. ફ્લેટમાં કંઇક અજુગતું થઇ રહ્યું હોવાની શંકા થતાં તે ચેક કરવા માટે ગઇ હતી, જ્યાં ત્રણ તસ્કર મકાનનું તાળું તોડી રહ્યા હતા. રીતાબહેનને જોઇ તસ્કરોએ તેમના પર હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. રીતાબહેને બૂમાબૂમ કરતાં લોકો જાગી ગયા હતા, પરંતુ તે પહેલાં તસ્કરો એપાર્ટમેન્ટમાંથી ફરાર થઇ ગયા હતા. વટવા પોલીસે આ મામલે ત્રણ તસ્કર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર એપાર્ટમેન્ટમાં કોઇ પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા નથી. આ એપાર્ટમેન્ટમાં ૧૮ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદી રજનીશ રાયની ‌તિજોરીમાં કંકુ હતું. તસ્કરોએ ‌િતજોરી ખોલી ત્યારે કંકુ જમીન પર ઢોળાયું હતું, જેના કારણે તસ્કરોના ફૂટ પ્રિન્ટ આવી ગયા છે. એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદથી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરાઈ છે. શહેરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે મહોત્સવમાં વ્યસ્ત પોલીસના કારણે તસ્કરોએ શહેરમાં તરખાટ મચાવ્યો છે. મોડી રાતે તસ્કરો પોલીસને ચકમો આપીને ચોરીની ઘટનાને સરેઆમ અંજામ આપી રહ્યા છે.

છેલ્લા ૩૭ દિવસમાં પશ્ચિમ વિસ્તારમાં રપ ઘરફોડ ચોરી થઇ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં ર૪ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. આજે વહેલી પરોઢે પણ વટવા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના છ મકાનનાં તાળાં તૂટ્યાં છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અતર્ગત સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે તેમજ બંગલામાં પર્સનલ સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાંય લોકો સીસીટીવી કેમેરા લગાવતા નથી, જેનો લાભ તસ્કર ઉઠાવી રહ્યા છે. આજે પણ વટવામાં થયેલી ચોરીમાં સીસીટીવી કેમેરા નહીં હોવાના કારણે પોલીસને કોઇ પુરાવા મળ્યા નથી.

You might also like