થલતેજમાં ડોક્ટરના ઘરમાંથી ૧૫ લાખ, વસ્ત્રાલમાં ૧૩ લાખની ચોરી

અમદાવાદ, શુક્રવાર
શહેરમાં મોડી રાત્રે ઘરફોડ ચોરીના બનાવો વધતા બુધવારે પોલીસ કમિશનરે નાઈટ પેટ્રોલિંગ કડક કરવા માટેના અાદેશ અાપ્યા હતા. પોલીસ કમિશનરના અાદેશ કર્યાના કલાકોમાં જ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે બે મોટી ચોરીની ઘટનાઅો સામે અાવી હતી.

થલતેજના અાસોપાલવ બંગલોમાં રહેતા ડોક્ટરના ઘરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકી ૩૫ તોલા જેટલું સોનું, ચાર હજાર યુઅેસ ડોલર અને રોકડા રૂપિયા બે લાખ મળી અંદાજે ૧૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં અાવેલી સહજાનંદ સોસાયટીમાં તસ્કરો ત્રાટકી રૂ. ૧૩ લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ સામે અાવ્યો હતો. પોલીસ કડક પેટ્રોલિંગ શરૂ કરે તે પહેલાં જ તસ્કરોઅે બે મોટી ચોરી કરવામાં સફળતા મેળવી લીધી હતી.

થલતેજ વિસ્તારમાં અાવેલી વિશ્વાભારતી સ્કૂલની સામેના અાસોપાલવ બંગલોમાં ડોક્ટર જગદીશભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. નવરંગપુરા સામવેદ હોસ્પિટલ પાસે અાવેલ વેદાંત બિલ્ડિંગમાં નિર્મલ પેથોલોજી લેબ. તેઅો ધરાવે છે. બુધવારે રાત્રે ૧૦ વાગ્યાની અાસપાસ દરવાજાનો મુખ્ય દરવાજો બંધ કરી જગદીશભાઈનો પરિવાર ઉપરના માળે સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે તેઅો પરિવાર સાથે નીચે અાવ્યા ત્યારે નીચેના બેડરૂમની લાઈટ ચાલુ હતી અને બેડરૂમમાં સરસામાન વેરવિખેર હતો.

કોઈ અજાણી વ્યક્તિ બેડરૂમની બારીની ગીલના સળિયા વાળી ઘરમાં પ્રવેશ હતી. બેડરૂમમાં અાવેલા બે લાકડાંના કબાટમાંથી અાશરે ૩૫ તોલા સોનાના દાગીના, ડાયમંડનું મંગળસૂત્ર, તેમજ રોકડા રૂપિયા બે લાખની ચોરી કરી હતી. ઘરમાં રહેલા ચાર હજાર જેટલા યુઅેસ ડોલર પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગે પોલીસને જાણ કરાતાં સોલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. ડોક્ટર જગદીશ પટેલની ફરિયાદના અાધારે સોલા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મોટા બંગલોઝમાં સિક્યોરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં અાવે છે છતાં પણ તસ્કરો અારામથી અાવા મોટા બંગલામાં પ્રવેશ કરી અને મોટી ઘરફોડ ચોરીઅોને અંજામ અાપીને ફરાર થઈ જાય છે.

પોલીસની સાથે સાથે પ્રજાની પણ કેટલીક બેદરકારીના કારણે ચોરીના બનાવો બને છે. ઘરમાં નીચેના માળે અાવેલા રૂમનાં કબાટમાં લોકો પોતાના કીમતી દાગીના અને રોકડ રકમ મૂકી દે છે અને ઉપરના માળે સૂઈ જતા હોય છે. જેનો લાભ લઈ તસ્કરો નીચેના માળે અાવેલા રૂમમાં ચોરી કરી અને ફરાર થઈ જતા હોય છે. જ્યાં કીમતી દાગીના અને રોકડ રકમ મૂકી હોય તે રૂમમાં ધ્યાન ન રાખવામાં અાવે તો ચોરીની ઘટનાને તસ્કર અારામથી અંજામ અાપી દે છે જેથી અાવી બેદરકારીના કારણે પણ તસ્કરો ચોરી કરવામાં ફાવી જતા હોય છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત અંદાજે ૧૩ લાખની માલ મત્તાની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઉત્તર ક્રિયા કરવા માટે પટેલ પરિવાર ગામડે ગયાે હતાે તે સમયે તસ્કરોએ તેમનાં ઘરમાં ધૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ૪૩ તોલા સોનું તેમજ ૫૦હજાર રોકડ અને ૨૦૦ ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સહજાનંદ બાગ સોસાયટીમાં રહેતા અને મૂળ કડી તાલુકાના વીસથપુરા ગામમાં રહેતા દલસુખભાઇ ચતુરભાઇ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. દલસુખભાઇ વીસથપુરા ગામમાં ખેતી કરે છે ત્યારે તેમની પત્ની બે પુત્ર અને એક પુત્રવધૂ સહજાનંદ બાગ સોસાયટીમાં રહે છે. દલસુખભાઇના કાકાનું મૃત્યુ થયું હોવાથી ઉત્તર ક્રિયા કરવા માટે તે તેમના પરિવાર સાથે તારીખ ૨૧મીના રોજ સવારે ગામડે ગયા હતા.

બીજા દિવસે એટલેકે ૨૨મીના રોજ વહેલી પરોઢે પ્રભાત ફેરી કરનાર લોકો તેમના ઘર પાસેથી નીકળ્યા ત્યારે તેમના ઘરનું તાળું તૂટેલુ હતું. પ્રભાત ફેરીમાં આવેલા લોકોએ અડોશપડોશમાં જાણ કરી હતી. પાડોશીઓએ તાત્કાલીક દલસુખભાઇને ફોન કરીને ચોરી થઇ હોવાના સમાચાર આપ્યા હતા. દલસુખભાઇ પુત્ર સાથે તેમના ઘરે આવી ગયા હતા. જ્યાં મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને તિજોરીમાંથી ૪૩ તોલા સોનું અને ૫૦ હજાર રોકડ અને ૨૦૦ ગ્રામ ચાંદીના દાગીના ગાયબ હતા.

દલસુખભાઇએ પોલીસને ચોરી થઇ હોવાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તસ્કરોએ આરીનો ઉપયોગ કરીને મકાનનું તાળું તોડી નાખ્યું હતું ત્યારબાદ તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. રામોલ પોલીસ આ મામલે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

You might also like