હિંમતનગરઃ પહેલા માગી લિફ્ટ અને પછી રિવૉલ્વર બતાવી લૂંટી લીધા

અમદાવાદ, ગુરુવાર
હિંમતનગર પ્રાંતિજ હાઇવે પર કમાલપુર ગામ નજીક કારચાલકને રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી લૂંટારાઓએ કાર અને રૂ.એક લાખની લૂંટ ચલાવતાં પ્રાંતિજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગરમાં સેકટર ૪ ખાતે રહેતા બ્રિજેશભાઇ શાહ પોતાની કાર ચલાવી હિંમતનગર પ્રાંતિજ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કમાલપુર ગામ નજીક રોડ પર ઊભેલા ત્રણ શખ્સોએ બ્રિજેશભાઇને વિનંતી કરી લિફટ માગી હતી. આથી બ્રિજેશભાઇએ ત્રણેયને કારમાં બેસાડયા હતા.

કાર થોડે દૂર જતાં જ કારમાં બેઠેલા શખ્સોએ બ્રિજેશભાઇને રિવોલ્વર બતાવી ધાકધમકી આપી હતી અને રોકડ રકમ, બે મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ અને કારના કાગળોની લૂંટ ચલાવી હતી અને બ્રિજેશભાઇને કારમાંથી નીચે ઉતારી મૂકી કાર લઇ લૂંટારા નાસી છૂટયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

You might also like