ચીલઝડપ, તફડંચી અને ચોરીનો સિલસિલો લોકોએ રૂપિયા ૧૬ લાખની માલમતા ગુમાવી

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક વખતથી તસ્કરી રાજ પ્રર્વતે છે. ચીલઝડપ, તફડંચી અને ચોરીઓનો સિલસિલો જારી રહેતાં શહેરીજનોએ રૂ. ૧૬ લાખની માલમતા ગુમાવી છે. ખોખરામાં રામદેવ એસ્ટેટ ખાતે અાવેલ સૂર્યા કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂ. એક લાખની કિંમતના કેમિકલ પાઉડરનાં બોક્સની ચોરી થઈ હતી. જ્યારે શાહીબાગમાં અાવેલ ચીનુભાઈ ચિમનભાઈના બંગલામાં ઘરઘાટી તરીકે કામ કરતાં ત્રણ શખસ રૂ. એક લાખની મતા લઈ ફરાર થઈ ગયા હતા, વટવામાં એસપી રિંગરોડ પર પાર્ક કરેલી ટ્રકની તાડપતરી કાપી તસ્કરોએ રૂ. સવા બે લાખની કિંમતના ૧૨૦ નંગ સાબુનાં બોક્સની ચોરી કરી હતી, નરોડામાં દેવ કોમ્પ્લેક્સ પાસે અાવેલી દુકાનનો દરવાજો તોડી રૂ. ૬૦ હજારની ચોરી કરવામાં અાવી હતી, અાનંદનગરમાં અાવેલ અાશીર્વાદ બંગ્લોઝમાં રહેતા દિલીપભાઈ શાહની પાસે સેલ્સમેનની ઓળખ અાપી અાવેલા બે ગઠિયા તેમની નજર ચુકવી રૂ. ૪.૫૦ લાખનાં ઘરેણાં તફડાવી ગયા હતા.

અા ઉપરાંત શાહીબાગમાં સંતોષનગર ખાતે રહેતી અમિતાબહેન લુક્કડને છેતરી ગઠિયા રૂ. ત્રણ લાખનાં ઘરેણાં તફડાવી ગયા હતા. શહેર કોટડામાં અરવિંદ એસ્ટેટ ખાતે અાવેલ એક ફેક્ટરીમાંથી રૂ. ૫૦ હજારની એલ્યુમિનિયમની પાટની ચોરી થઈ હતી. રદારનગરમાં સાંઈબાબા મંદિર નજીક પાર્ક કરેલી રૂ. ૫૪ હજારની મતાની ચોરી થઈ હતી. તેમજ કૃષ્ણનગરમાં સાંઈ ચોક નજીક અને શાહીબાગમાં સુજાતા ફ્લેટ પાસે બે મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like