ત્રણ શખશોને લૂંટી રેલવે સ્ટેશન પહોંચ્યો અને અાબાદ ઝડપાયો

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા મુસાફરોને ક્યાં જવાનું છે પૂછી અને તેમને પણ તે જ શહેરમાં જવાનું છે, સાથે જઈશું કહી અને મામા રેલવેમાં ટી.ટી.ઈ. છે તેમ કહી વિશ્વાસમાં લઇ લૂંટ કરતી ગેંગના એક સાગરીતની રેલવે પોલીસે ધરપકડ કરી છે. લૂંટારુએ તેના સાગરીત સાથે મળી પરપ્રાંતીય શખ્સો પાસેથી સામાનની લૂંટ બાદ રેલવે સ્ટેશન પર અન્ય પેસેન્જરને લૂંટ માટે ટાર્ગેટ કરવા આવ્યો અને ભોગ બનનાર શખ્સો તેને ઓળખી જતાં તેની પાછળ દોડતાં ત્યાં હાજર રેલવે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

મૂળ છત્તીસગઢના ચીકપાઠ ગામમાં રહેતા અને હાલ ધોલેરા એલ.એન.ટી. કંપનીમાં નોકરી કરતા જગેશ્વરરામ ઉરાવ તેમના બે ભાણિયા-જીવનરામ ઉરાવ અને સુદર્શનરામ ઉરાવ સાથે પરમ દિવસે બપોરે છત્તીસગઢના રાયપુર જવા માટે નીકળ્યા હતા અને કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા હતા. રાતે બાર વાગ્યાની ટ્રેન હોઈ તેઓ રેલવે સ્ટેશન પર બેઠા હતા.

દરમ્યાનમાં બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા અને તેમને ક્યાં જવું છે તેમ પૂછ્યું હતું, જેથી રાયપુર જવાનું છે કહેતાં તેમને પણ રાયપુર જવાનું છે, સાથે જઈશું તેમ કહી અને મારા મામા રેલવેમાં ટી.ટી.ઈ. છે અને તેમની તે જ ટ્રેનમાં નોકરી છે તો આરામથી જઈશું કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં સિટી વિસ્તારમાં મામાની ઓફિસ છે ત્યાં જઈએ કહી રિક્ષામાં તેઓને અજાણી જગ્યાએ લઇ જઈ અન્ય એક શખ્સ સાથે મળી બંને શખ્સોએ ‘પૈસા ઔર મોબાઈલ નિકાલો વર્ના તુમારી પીટાઈ હોગી ઔર માર કે ફેંક દેંગે તો પતા ભી નહિ ચલેગા’ કહી અને પૈસા અને મોબાઈલ તથા સામાન મળી રૂ.17100ની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ત્યારબાદ જગેશ્વરરામ અને તેમના ભા‌િણયા રેલવે સ્ટેશન આવ્યા હતા અને મુસાફરખાના ટિકિટબારી પાસે ઊભા હતા. દરમ્યાનમાં લૂંટ કરનાર પૈકી એક શખ્સ ત્યાં આવ્યો હતો અને જગેશ્વરરામ તેને ઓળખી જતાં તેની પાછળ દોડ્યા હતા. સ્ટેશન પર હાજર રેલવે પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતાં તેનું નામ બ્રિજેશ રાજભાર (રહે. લક્ષ્મીપાર્ક, નાગલોઈ, દિલ્હી ) હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે. કે. બુવડે જણાવ્યું હતું કે આરોપી અને તેના સાગરીતો રેલવે સ્ટેશન પર પેસેન્જરને વિશ્વાસમાં લઇને તેમ પાસેથી લૂંટ કરે છે. અન્ય આરોપી પકડાયા બાદ અનેક આવી લૂંટના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like