અમદાવાદમાં ચાર-પાંચ ઈંચ વરસાદમાં જ રસ્તા તૂટવા લાગ્યા, મોન્સૂન એકશન પ્લાનના લીરેલીરા ઉડ્યા

અમદાવાદ: હજુ તો ગયા ચોમાસામાં વરસાદના પહેલા રાઉન્ડમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાયાનું કૌભાંડ હાઇકોર્ટમાં ગાજી રહ્યું છે, લોકો પણ ઠેર ઠેર તૂટેલા રોડથી ભોગવેલી પારાવાર મુશ્કેલીની યાદ ભૂલ્યા નથી ત્યાં તો આ ચોમાસામાં ગઇ કાલે સરખો વરસાદ પડતાં રસ્તા તૂટવાની સેટેલાઇટ જેવા વિસ્તારમાં શરૂઆત પણ થતાં નાગરિકોમાં ભ્રષ્ટતંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ગઇ કાલે રાતભર વરસાદે વિરામ લેતાં અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનના તો લીરેલીરા ઊડી જ ગયા, પરંતુ કહેવાતા અત્યાધુનિક કંટ્રોલરૂમમાં શહેરનાં ૧૩૦ જંકશન પર ગોઠવાયેલા ૧૪૯૦ કેમેરા પણ લોકોને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ખાસ ઉપયોગી બન્યા ન હતા.


બીજી તરફ રાહુલ ટાવરથી બુટભવાની ક્રોસિંગ તરફ જતા રોડ પર કેડસમા ણાં પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓએ રોડ પરના એક ખાનગી પ્લોટની આશરે ૩૦ મીટર લાંબી દીવાલને તોડી નાખી હોવાની ચર્ચા ઊઠી છે. ઉપરાંત બોડકદેવ અમૂલ ગાર્ડન હજુ પણ વરસાદી પાણીથી બેટમાં ફેરવાયેલો છે.

અશ્વિની પબ્લિક પાર્કમાં શનિ-રવિના માહોલમાં સવારે મોર્નિંગ વોક કરવા ગયેલા નાગરિકોએ સમગ્ર બગીચામાંથી તંત્ર દ્વારા વરસાદી પાણી ઉલેચવાની કોઇ કામગીરી ન કરાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.


ગઇ કાલના વરસાદમાં ખાસ કરીને મેટ્રો રેલ રૂટ પર ભારે વરસાદી પાણી ભરાતાં ટ્રાફિક જામ થવાથી હજારો નાગરિકો તોબા પોકારી ઊઠ્યા હતા તેમજ જીવરાજપાર્ક પાસે વિશાયકાય ભૂવો પડવાથી સર્વત્ર ગભરાટ પ્રસરી ગયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને મ્યુનિસિપલ કમિશનર નહેરાએ આજે બપોરે મેટ્રો રેલના અધિકારી સાથે ખાસ બેઠક બોલાવી છે, જેમાં મેટ્રો રેલ ઉપરાંત તંત્રના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

દરમ્યાન પાલડી સ્થિત મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રો કહે છે ગઇ કાલના રાતના દશથી આજ સવારના છ વાગ્યા સુધીમાં શહેરમાં માત્ર ૦.ર૦ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઝોનવાઇઝ વરસાદની વિગત તપાસતાં પૂર્વ ઝોનમાં અઢી ઇંચ, પશ્ચિમ ઝોનમાં બે ઇંચ, નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ચાર ઇંચ, મધ્ય ઝોનમાં સવા ત્રણ ઇંચ, ઉત્તર ઝોનમાં સૌથી ઓછો એક ઇંચ અને દક્ષિણ ઝોનમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

આની સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ સાત ઇંચ થયો છે. ગઇ કાલના વરસાદથી વરદાન ટાવર પ્રગતિનગર, એચ. કે. કોમ્પ્લેક્સ-પાલડી, ગુરુદ્વારા, સરખેજ-જૂની એડવાન્સ સિનેમાની સામે સહિતનાં સ્થળોએ ૧૧ વૃક્ષ ધરાશાયી થતાં ચાલુ સિઝનમાં ૧૦૦થી વધુ વૃક્ષ ધરાશાયી થઇ ચૂક્યાં છે. આ દરમિયાન બાપુનગર ચાર રસ્તા પાસે આજે સવારે ભૂવો પડતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

You might also like