રસ્તાનાં કામો તા. 31 માર્ચ પહેલાં પૂર્ણ કરી દેવાની તાકીદ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: ગત વર્ષે ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની આબરૂના લીરેલીરા ઊડ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે માંડ પ૦ ટકા વરસાદ પડવાથી તંત્રની રહી-સહી આબરૂ જાણ્યે-અજાણ્યે સચવાઇ ગઇ હતી, જોકે રસ્તાના કામમાં એક અથવા બીજા પ્રકારનો વિલંબ થઇ રહ્યો હોઇ કમિશનર દ્વારા આગામી તા.૩૧ માર્ચની પહેલાં શહેરભરમાં રસ્તા ચકાચક કરવા તંત્રને આદેશ અપાયો છે, પરંતુ આ અમલવારીની શકયતા નજરે પડતી નથી.

આમ તો તંત્ર દ્વારા શહેરમાં સાત પેવર લગાડીને દૈનિક ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુના રોડનાં કામ થઇ રહ્યા હોવાનો દાવો કરાય છે, પરંતુ તૂટેલા રોડને થીંગડાં મારવામાં પણ વેઠ ઉતારાઇ રહી છે. રોડનાં ઊંચા-નીચા લેવલને હેવી રોલર ફેરવીને સમતળ કરવાની તસ્દી પણ રપથી ૩૦ ટકા વધુ ભાવ ભરીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ મેળવનારા કોન્ટ્રાક્ટર કરતા નથી. રોડના કામમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હેઠળના કન્સલ્ટન્ટની નિમણૂક કાગળ પર રહી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. રોડની ધીમી ગતિ તેમજ ગુણવત્તાના અભાવથી ખુદ ભાજપના કોર્પોરેટરો અકળાઇ ઊઠ્યા છે.

બીજી તરફ આગામી લોકસભાની ચૂંટણીના કારણે રોડના કામ માટે સત્તાધીશોએ મુખ્ય માર્ગોના બદલે ગલીઓના આંતરિક રસ્તાઓને વધુ પસંદ કર્યા હોવાની ચર્ચા ઊઠી છે. આના કારણે મુખ્ય માર્ગો પર રોડના કામ લોકોને દેખાતાં નથી, જોકે વર્ષો બાદ આંતરિક રસ્તા સુધરી રહ્યા હોવાની લાગણી પણ લોકોમાં જોવા મળી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટના આદેશથી આંતરિક રસ્તાનંંુ સમારકામ આ વખતે મહત્ત્વપૂર્ણ બન્યું છે તેમ પણ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

એ જે હોય તે, પરંતુ કમિશનર વિજય નેહરાએ આગામી તા.૩૧ માર્ચ સુધીમાં રોડના મહત્તમ કામને આટોપી લેવાનો જે આદેશ સંબંધિત અધિકારીઓને આપ્યો હતો તે મુજબની કામગીરી શક્ય બનવાની નથી, કેમ કે આજદિન સુધીમાં માત્ર ર.૧૦ લાખ મેટ્રિક ટનનું રોડનું કામ થયું છે. જ્યારે તંત્રે કુલ ૩.૭૭ લાખ મેટ્રિક ટન રોડનું કામ કરવાનું છે એટલે માત્ર ૪પ ટકા જ કામગીરી થઇ છે. તા.ર૦-ર૧ માર્ચે હોળી-ધુળેટી આવતી હોઇ રોડનાં અધૂરાં કામ ત્યાર બાદ તા.૧પ એપ્રિલ પછી શરૂ થશે, જેના કારણે સત્તાવાળાઓ પાસે ૩.૭૭ લાખ મેટ્રિક ટન કામનો લક્ષ્યાંક પૂરો કરવા આડે હવે ગણતરીનાે મહિનો જ રહ્યો છે.

You might also like