માર્ગ સલામતીની વાતો અને વાસ્તવિકતા!

૧પ માર્ચે ગાંધીધામના ઉદ્યોગપતિના દીકરાએ શહેરના ઈફ્કો ગેટ નજીક નવ લોકોને કારની અડફેટે લીધા. આ હિટ એન્ડ રનમાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં, જ્યારે છ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ. ૧૪ માર્ચે, વિધાનસભામાં રાજ્ય સરકારે ગુજરાત માર્ગ સલામતી નીતિની જાહેરાત કરી, તેના બીજા જ દિવસે થયેલા આ અકસ્માતથી માર્ગ અકસ્માત અને સલામતીનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. રાજ્યનાં મહાનગરો ઉપરાંત વિવિધ હાઈવે પર દિન-પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે અને રસ્તાઓ ગોઝારા સાબિત થઈ રહ્યા છે ત્યારે માર્ગસુરક્ષા અને સલામતી અંગે ‘અભિયાન’નો તલસ્પર્શી અહેવાલ…

૧૧૩૭૮૩… ૧૧૬૪૮૮… ૧૧૮૩૬૬… આ આંકડા સેન્સેક્સ કે નિફ્ટીની ચડતીપડતીના નહીં, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષ (૨૦૧૩-૧૪-૧૫)માં ગુજરાતમાં થયેલા અકસ્માતોના છે! આ તો માત્ર રાજ્યની ઈમરજન્સી સેવા ૧૦૮ની યાદી છે. ઓવરઓલ આંક આનાથી બે ગણો વધુ છે. જો ગુજરાતમાં જ આટલા બધા અકસ્માતો થતા હોય તો દેશભરમાં કેટલા માર્ગ અકસ્માત થતા હશે? આવા અકસ્માતોમાં કેટલા લોકો મૃત્યુ પામતા હશે?

રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને રોકવા રાજ્ય સરકારે ૧૪ માર્ચે વિધાનસભામાં ‘ગુજરાત માર્ગ સલામતી નીતિ-૨૦૧૬’ જાહેર કરી છે ત્યારે આ આંકડાઓ જ સાબિત કરે છે કે માર્ગ અકસ્માતનો મુદ્દો કેટલો ગંભીર છે. ઉપર જણાવ્યા મુજબના આંકડાઓ તો માત્ર સામાન્ય જાણકારી છે. આ સિવાય અનેક નક્કર આંકડાઓ ઉપલબ્ધ છે જે માર્ગ સલામતી નીતિને કડકાઈથી અમલી બનાવવા માટે પૂરતા છે. ગુજરાતમાં અકસ્માતની સ્થિતિમાં ઊંડા ઊતરતા પહેલાં દેશમાં માર્ગ અકસ્માતની સ્થિતિની જાણકારી મેળવવી પણ જરૂરી છે.

ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યા વધુ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ‘હુ’ના એક રિપોર્ટ મુજબ ભારતમાં દરરોજ ૧૨૧૪ માર્ગ અકસ્માત થાય છે. દર મિનિટે એક માર્ગ અકસ્માત થાય છે અને દર ચાર મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં મોતને ભેટે છે. એ રીતે દર વર્ષે સરેરાશ ૧,૪૨,૪૮૫ લોકો માત્ર માર્ગ અકસ્માતના કારણે અકાળે મૃત્યુ પામે છે. વર્ષે ૫.૧૧ લાખથી વધુ લોકો અકસ્માતના કારણે ઈજાગ્રસ્ત થાય છે.

અકસ્માત મામલે ભારત દુનિયાભરમાં પ્રથમ ક્રમે છે. ૧૯૯૯-૨૦૦૦માં માર્ગ અકસ્માતના કારણે થયેલું નુકસાન દેશના કુલ જીડીપીના ૩ ટકા જેટલું હતું. અકસ્માતનાં કારણોમાં ખરાબ રસ્તા, નશો કરીને ડ્રાઈવિંગ કરવું, હેલ્મેટ કે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડ પર વાહન ચલાવવું વગેરે ગણાવાયાં છે. ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે કુલ ગંભીર અકસ્માતોના ૪૦ ટકા માત્ર ટુ વ્હિલર અને ટ્રક જેવાં ભારે વાહનો દ્વારા થાય છે.

અકસ્માતના ઘાયલોમાં દર ૧૦૦માંથી ૨૮ લોકોનાં મોત થાય છે. માર્ગ અકસ્માતના ૭૮ ટકા કેસ ડ્રાઈવરની બેદરકારીના કારણે થાય છે. ૨૦૧૪માં ૧.૪ લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જે તમામ યુદ્ધોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા કરતાં પણ વધુ હતા. આ આંકડા પરથી જ ખ્યાલ આવે છે કે ભારતમાં માર્ગ અકસ્માતનો મુદ્દો કેટલો ગંભીર છે અને માર્ગ સલામતી કેટલી મહત્ત્વની. અગાઉ કેન્દ્ર સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાને ધ્યાને લઈને ગુજરાત સરકારે નવી માર્ગ સલામતી નીતિ જાહેર કરી છે.

શું છે ‘માર્ગ સલામતી નીતિ ૨૦૧૬’?
સુપ્રીમ કોર્ટમાં થયેલી એક પિટિશન સંદર્ભે અપાયેલા નિર્દેશ મુજબ રાષ્ટ્રીય સ્તરે એક રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે. સાથે દરેક રાજ્યને પણ આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું હતું. જેના ભાગરૂપે ગુજરાત સરકારે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સેશનમાં ૧૪ માર્ચે નવી રોડ સેફ્ટી પૉલિસી જાહેર કરી છે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી વિજય રૂપાણી કહે છે, “રાજ્ય સરકાર માટે માર્ગ સલામતી ચિંતાનો વિષય છે. રોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થવાથી વાહનોની સંખ્યા સાથે ઝડપ પણ વધી છે. જેના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધી છે.

આ સંજોગોમાં માર્ગ સલામતીના પડકારને પહોંચી વળવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. માનવ જિંદગીને માર્ગ અકસ્માતમાંથી બચાવવાનું સુનિશ્ચિત કરી શકાય તે માટે આ નવી પૉલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ નીતિ કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોની રોડ સેફ્ટી પૉલિસી ઉપરાંત ગુજરાતની જરૂરિયાતોનો ઊંડો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવી છે.” રાજ્ય સરકારે માર્ગ સલામતી નીતિને એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એજ્યુકેશન ઓફ રોડ સેફ્ટી, એન્જિનિયરિંગ ઓફ રોડ અને ઈમરજન્સી કેર એમ ચાર ‘ઈ’માં વહેંચી છે.

સરકારનું મિશન ૪-ઈ
એન્ફોર્સમેન્ટ ઓફ લૉ અંતર્ગત રાજ્ય સરકાર માર્ગ સલામતી સાથે સંકળાયેલા તમામ સરકારી વિભાગો અને સંબંધિત સંસ્થાઓને એક છત્ર નીચે લાવવાની યોજના ધરાવે છે. આ સિવાય ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરવા માટે નિયમભંગ માટે દંડનીય કાર્યવાહી, ટેક્નોલોજીનો ઉપયોગ, સીસીટીવી કેમેરા, જીપીએસ જેવી કાર્યપદ્ધતિ અપનાવી ટ્રાફિક ગુનાઓના ગુનેગારોને પકડી ગુનાઓ અટકે તે માટે કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે.

એજ્યુકેશન ઓફ રોડ સેફ્ટી અંતર્ગત સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સાથે ઈતર પ્રવૃત્તિઓ જેવી કે ટીમ પ્રોજેક્ટ, નાટ્ય સ્પર્ધા, ક્વિઝ, આનંદ મેળો, સ્લાઈડ શો વગેરેની મદદથી માર્ગ સલામતીનું શિક્ષણ અને તાલીમ આપી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધવા પ્રયાસ કરશે. આ સિવાય લોકોમાં માર્ગ અકસ્માત બાબતે જાગૃતિ લાવવા ટ્રાફિક સપ્તાહ, પુસ્તકોનું પ્રકાશન, ટૂંકી ફિલ્મો તથા જાહેરાત કરાશે.

એન્જિનિયરીંગ ઓફ રોડ અંતર્ગત વર્તમાન રોડના માળખામાં અકસ્માત નિવારવા રોડ સેફ્ટી ઓડિટ પદ્ધતિનો અમલ, રોડ સેફ્ટીની ડિઝાઈન અને ગાઈડલાઈન જાહેર કરવી, ટ્રાફિકની ગતિ ધીમી પાડતા બમ્પ, ડિવાઈડરોની સંખ્યા વધારવી, શહેરી વિસ્તારોમાં પાર્કિંગની સુવિધા અને રોડ પરનાં દબાણો દૂર કરવા પર ભાર મુકાશે.

ઈમરજન્સી કેર અંતર્ગત અકસ્માતનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા પર ભાર મુકાયો છે. ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર મળે, ભોગ બનનારને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા, અકસ્માતગ્રસ્ત વાહનને ઘટનાસ્થળેથી દૂર કરવા ક્રેઈનની વ્યવસ્થા કરવી, નેશનલ અને સ્ટેટ હાઈવે પરની હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ કે હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાય તથા અકસ્માતનો ભોગ બનનારને ઝડપથી તબીબી સેવા મળે તે માટે ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરોને પ્રોત્સાહન આપવાનું આયોજન છે.

૭૦ ટકાથી વધુ માર્ગ અકસ્માતો ડ્રાઈવરની ભૂલને કારણે થતા હોવાથી નવી નીતિમાં ડ્રાઈવરની ગુણવત્તા સક્ષમ કરવા પર ભાર મુકાયો છે. કેટલાક અકસ્માતોમાં ડ્રાઈવર, મુસાફરો ઉપરાંત રાહદારીઓ પણ ભોગ બનતા હોય છે. આથી ડ્રાઈવરની સાથે માર્ગ વપરાશકર્તાઓની સલામતી વધારવા રાહદારીઓ માટે સુરક્ષિત લેન, ફૂટપાથ, એલિવેટેડ બ્રિજ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. જેમાં સાયકલચાલકો, વિકલાંગો માટે સુરક્ષિત લેન કે ફૂટપાથ જેવી સુવિધાઓ ટાઉન પ્લાનરો, આર્કિટેક્ટ અને એન્જિનિયરોના સંકલનથી ઉપલબ્ધ કરાશે. માર્ગ અકસ્માતની સ્થિતિનો વિવિધ દૃષ્ટિકોણથી ડેટા તૈયાર કરી માર્ગ સલામતી સાથે સંકળાયેલ તમામ વિભાગો, ટ્રોમા કેર સેન્ટરો, જિલ્લા હોસ્પિટલો અને એમ્બ્યુલન્સને તેની સાથે સાંકળી લેવાનું પણ આયોજન છે.

ગુજરાતમાં દર ૧૫ મિનિટે એક અકસ્માત
માર્ગ અકસ્માતના કારણે ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના એક્સિડેન્ટલ ડેથ એન્ડ સ્યૂસાઇડ ઈન ઈન્ડિયા-૨૦૧૪ના અહેવાલ મુજબ ગુજરાતમાં દર લાખ વ્યક્તિએ ૫૯ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટી છે. ગુજરાતમાં ચાલતી ઈમરજનસી સેવા ૧૦૮ પાસે ૨૦૧૩માં ગુજરાતના તમામ જિલ્લાઓના થઈને ૧૧૩૭૮૩ અકસ્માત નોંધાયા હતા.

૨૦૧૪માં આંકડો વધીને ૧૧૬૪૮૮ અને ૨૦૧૫માં ૧૮૭૮ અકસ્માતોના વધારા સાથે આંકડો ૧૧૮૩૬૬ સુધી પહોંચ્યો હતો. આ તો ૧૦૮ ઈમરજન્સી સર્વિસના એ આંકડાઓ છે, જ્યાં તે પહોંચીને સેવા આપી શકી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટમાં નોંધાતા આંકડા કે જેમાં તમામ રાજ્યોના ખૂણેખૂણાના ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોના નોંધાતા આંકડા વધુ ચોંકાવનારા છે.

એ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦૧૩માં ગંભીર ગણાય તેવા ૨૫૦૩૫ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. જેમાં ૭૪૫૮ લોકો મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૪માં આવા ૨૨૧૫૨ બનાવોમાં ૭૮૫૭ લોકોનાં મોત થયાં હતાં. ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ૨૦૧૩ની સરખામણીએ ૨૦૧૪માં ગંભીર માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૨૮૮૩નો ઘટાડો નોંધાયો છતાં મોતની સંખ્યા ૩૯૯ જેટલી વધી હતી. જે ચિંતાજનક છે.

મોટાં શહેરોમાં ૨૦૧૫માં રાજ્યના કુલ માર્ગ અકસ્માતો પૈકી ૧૫ ટકા એકલા અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ નાનામોટા મળીને બાવન અકસ્માતો થાય છે. ૨૦૧૩માં લોડિંગ ટ્રક્સ, ટુ વ્હિલરના કેસ સૌથી વધુ નોંધાયા હતા. શહેરી માર્ગોની સરખામણીએ નેશનલ કે સ્ટેટ હાઈવે વધુ ગોઝારા સાબિત થયા છે. કુલ માર્ગ અકસ્માતોના ૮૫ ટકા વિવિધ જિલ્લાના માર્ગો પર થયા હતા.

લાઈફ-લાઈન ફાઉન્ડેશનના સીઈઓ ડૉ. સુબ્રતો દાસ કહે છે, ‘ભારતમાં વાહનોની સાથે મોબાઈલ ફોનની સંખ્યા પણ વધી છે. બંનેનાં વપરાશની હાલની સ્થિતિ ટ્રાફિક અને સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી. છેલ્લા દસ વર્ષમાં દેશની વસ્તીમાં ૧૭.૬૪ ટકાનો વધારો થયો છે. એજ સમયગાળામાં વાહન ચલાવવા માટેના લાયસન્સ ધારકોની સંખ્યામાં ૧૩૨ ટકાનો વધારો નોંધાયો છે. નશો કરીને વાહન ચલાવી અકસ્માત કરતાં ડ્રાઈવરોને કડક સજા થતી નથી પરિણામે આવા ડ્રાઈવરોમાં કાયદાની ફડક પણ ઓછી થઈ છે.

ગુજરાત સરકાર માટે રાહતની વાત એ છે રાજ્યમાં અકસ્માતોની સંખ્યા ઘટી રહી છે. જોકે પડકાર એ છે કે અકસ્માતો ઘટવા છતાં મોતનો આંકડો ઘટતો નથી. આ આંકડાને કાબૂમાં કેવી રીતે લાવવો તે એક પ્રશ્ન છે. સરકાર પાસે અધિકારીઓથી માંડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી તમામ વસ્તુ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર માર્ગ સલામતી નીતિમાં સૂચવ્યા મુજબ ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે કે નહીં.

જીવ બચાવવો એ સરકારની પ્રાથમિકતા
કોઈ પણ સરકારની પ્રાથમિકતાની યાદીમાં નાગરિકોનો જીવ અને તેમનું રક્ષણ સૌથી ઉપર હોવું જોઈએ. સરકાર માટે દરેક વ્યક્તિ એકસરખી અને મહત્ત્વની હોવી જોઈએ, પછી તે નાની હોય કે મોટી, અમીર હોય કે ગરીબ, માણસની કદર માણસ તરીકે થવી જોઈએ. કમનસીબે આપણે ત્યાં એવું થતું નથી. માર્ગ અકસ્માતોમાં અનેક સામાન્ય માણસો કીડા-મકોડાની જેમ મરી જાય છે છતાં કોઈનું રૃંવાડુંયે ફરકતું નથી. માત્ર કાયદા કે નિયમો ઘડીને થોડોક સંતોષ માની લેવાય છે.

સરકારે જાહેર કરેલી નવી નીતિમાં પણ નવું કશું જ નથી. મોટાભાગના નિયમો કેન્દ્ર સરકારની પૉલિસીના આધારે નક્કી કરાયા છે. ચાર ‘ઈ’ નો કોન્સેપ્ટ યુનો દ્વારા જાહેર કરાયો હતો, જેને મોટાભાગના દેશોએ અપનાવ્યો છે. કાયદાનો અમલ, માર્ગ સલામતી શિક્ષણ અને તાલીમ, સલામત માર્ગોનું આંતરમાળખું વિકસાવવું વગેરે મુદ્દાઓ વર્ષોથી ચર્ચાય છે, પરંતુ વાહનવ્યવહાર ક્ષેત્રે પ્રગતિ થઈ છે, બીજી તરફ રોડ સુધરવાને કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે.

અમેરિકા જેવા વિકસિત દેશોમાં માણસનું મોત સૌથી ગંભીર મુદ્દો મનાય છે. જન્મેલાનું મોત નક્કી છે પણ તે કમોતે ન મરવો જોઈએ. ત્યાં પણ અકસ્માતો થાય છે, પરંતુ ફરક એ છે કે ત્યાં દરેક અકસ્માતને ગંભીરતાથી લેવાય છે. તેની પાછળની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરાય છે, કારણો શોધી તરત તેના નિવારણ માટે પ્રયત્નો શરૂ થઈ જાય છે અને વ્યવસ્થાઓ બદલી નાખવામાં આવે છે. એક જ પ્રકારનો અકસ્માત બીજી વખત ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. જરૂર જણાય તો રસ્તાની ડિઝાઈન, ક્યારેક તો આખેઆખો રસ્તો જ બદલી નાખવામાં આવે છે. જેની સામે આપણે ત્યાં માત્ર ‘અકસ્માત સંભવિત વિસ્તાર’ લખેલું બોર્ડ મારીને સંતોષ માની લેવાય છે.

અકસ્માત ઘટાડવાનો ઉપાય શો?
રોડ-ટ્રાફિકની પરિસ્થિતિ ધ્યાને લીધા વિના વાહન ચલાવવું, સાઈડ સિગ્નલ ન આપવું, નશો કરીને ડ્રાઈવિંગ કરવું, પાછળથી આવતા વાહનને જોયા વિના કારનો દરવાજો ખોલવો, ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ, અપૂરતી ઊંઘ અને માનસિક તાણ હોવા છતાં વાહન ચલાવવું, ગતિ મર્યાદા સૂચવતાં બોર્ડની અવગણના કરવી, ઘસાઈ ગયેલાં ટાયરો કે ખામીયુક્ત બ્રેકવાળાં વાહન ચલાવવાં જેવાં કારણો અકસ્માતોમાં સૌથી વધુ જવાબદાર જણાયાં છે. આવી સ્થિતિમાં સરકારી નીતિ જાહેર થવામાત્રથી કોઈ ફરક પડશે નહીં. તમામ લોકોએ ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરવું પડશે.

નિષ્ણાતોના મતે માર્ગ અકસ્માતથી બચવાનો પહેલો અને સૌથી સરળ ઉપાય એ છે કે લોકો જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરે. લોકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કાયદો કશું કરી શકતો નથી. આપણે ત્યાં ટ્રાફિક પોલીસનો ભ્રષ્ટાચાર પણ એટલો જ કારણભૂત માનવામાં આવે છે. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિ પોલીસને દંડ કે લાંચ આપીને છૂટી જાય છે. ટ્રાફિક પોલીસનો પોઈન્ટ દરરોજ બદલાતો રહેતો હોય છે એટલે ઓળખાઈ જવાની ચિંતા પણ રહેતી નથી. બીજી તરફ લોકો પણ પાંચમાંથી ત્રણ કેસમાં દંડની જગ્યાએ પોલીસને પચાસ-સો રૂપિયાની લાંચ આપીને છટકી જાય છે.

અમદાવાદની ૧૦૮ ઈમરજન્સી સેવાના ચીફ કાર્તિકભાઈ શાહ કહે છે, “વિકસિત દેશોની જેમ આપણે ત્યાં પણ ઓનલાઈન સીસીટીવી સિસ્ટમ દરેક ચાર રસ્તે ઊભી કરવામાં આવે, જેના આધારે નિયમભંગ કરનારને ઓળખીને તેમના બેંક એકાઉન્ટમાંથી સીધો દંડ વસૂલવામાં આવે તો ખાસ્સો ફરક પડી શકે છે. આ માત્ર એક સમયનો ખર્ચ છે પણ તે થઈ ગયા પછી ટ્રાફિક પોલીસ ન હોય તો પણ ચાલે, કારણ કે દંડ ભરવો કોઈને ગમતો નથી હોતો.

અનેક દેશોમાં આ સિસ્ટમ અમલમાં છે. સીસીટીવી સિસ્ટમનો ફાયદો એ છે કે તે વાહનના નંબરની સાથે સ્પીડ પણ ઓટોમેટિક માપી લે છે. ટ્રાફિક વિભાગ નિયમભંગ કરનારને નોટિસ મોકલે છે. જો સૂચિત સમયમાં વ્યક્તિ દંડ ન ભરે તો બેંક એકાઉન્ટની વિગતો સરકાર પાસે હોય તેમાંથી રકમ વસૂલવામાં આવેે. જો વ્યક્તિ અમુક મર્યાદાથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરે તો લાઇસન્સ જપ્ત થઈ જાય છે.

હાઈવે પર રાત્રે થતા અકસ્માતોનું પ્રમાણ સૌથી વધુ છે. ત્યારે સ્ટેટ કે નેશનલ હાઈવે પર આવતા ભયજનક વળાંકો અગાઉ તેની જાણકારી આપતી નોટિસ મૂકવી જરૂરી છે. નેશનલ કે સ્ટેટ હાઈવે પર અકસ્માતો મોટાભાગે જે તે ગામોનાં પાટિયાં પાસે અથવા એવી જગ્યાએ થતા હોય છે જ્યાં રસ્તાના નિર્દેશ યોગ્ય પ્રમાણમાં આપેલા હોતા નથી. ગુજરાતમાં એવા અનેક રોડ છે જ્યાં ભયજનક વળાંકોના કારણે સમયાંતરે અકસ્માતો થયા રહે છે. તેને સુધારવા જરૂરી છે. જરૂર જણાય તો તેને બદલી પણ શકાય છે.

સરકાર પોતાનું કામ કરશે, પણ આપણે કેટલા જાગ્રત છીએ તે મહત્ત્વનું છે. જ્યાં સુધી ઘેટાંબકરાંની જેમ ભરેલી સ્કૂલવાન ચાર રસ્તા પરથી બિન્ધાસ્ત પસાર થઈ શકતી હોય, ત્રણની સીટમાં સાત કે નવ પેસેન્જર ભરીને શટલરિક્ષાઓના ફેરા થઈ શકતા હોય, સ્કૂલમાં ભણતાં છોકરા-છોકરીઓ વગર લાઇસન્સે ધૂમ સ્પીડે બાઈક કે ટુ વ્હિલરે ચલાવી શકતાં હોય ત્યાં સુધી માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શક્યતા બહુ ઓછી છે. કમ સે કમ પોતાના માટે લોકો વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થશે ત્યારે માર્ગ સલામતી નીતિની બહુ જરૂર નહીં પડે.

નરેશ મકવાણા
પૂરક માહિતીઃ હીરેન રાજ્યગુરુ,અમદાવાદ

You might also like