રોડ રિસરફેસિંગમાં પોલંપોલ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડનાં કામોમાં ભારે ગેરરીતિ ચાલે છે. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત સામે ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરાય છે. પરિણામે હલકી ગુણવત્તાના રોડ તૈયાર થઈને ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ ધોવાઈને રોડ પર ઠેર ઠેર ગાબડાં પડી જાય છે. તાજેતરમાં વસ્ત્રાલ વોર્ડ ખાતે રોડ રિસરફેસિંગના કામની ગેરરીતિ પ્રકાશમાં આવી છે.

વસ્ત્રાલ વોર્ડના માધવ સ્કૂલ રોડ પર તંત્ર દ્વારા રોડ રિસરફેસિંગની કામગીરી હાથ ધરાઈ હતી. રોડ રિસરફેસિંગ પહેલાં જે તે રોડની સાફસફાઈ કરવાની હોય છે. ત્યાર બાદ ડામર નાખ્યા બાદ ડસ્ટ નાખવી પડે છે. પીટીઆર રોલર ફેલવીને પછી જ બિટ્યુમિન માલ નંખાય છે. રિસરફેસિંગ માટેના પેવરમાં સ્ટિમલર હોવું જરૂરી છે.

પરંતુ વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ તંત્ર પર એવો આક્ષેપ કર્યો છે કે ગત તા.૨૭ એપ્રિલ, ૨૦૧૭એ એ સ્થળ તપાસ કરી ત્યારે રિસરફેસિંગનાં કામમાં ગેરરીતિ આચરાયેલી જણાઈ આવી હતી. કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા રોડને સાફ કરાયો ન હતો. ડામર પથરાયો ન હતો અને બિટ્યુમિન માલ પાથરી દેવાયો હતો. તે વખતે પેવર મશીનમાં સેન્સર પણ લગાડાયેલું ન હતું. ડામર પર ડસ્ટ નાખીને પછી પીટીઆર રોલર ફેરવવાનું હોય છે પરંતુ આ રોલર પણ ફેરવાયું ન હતું. આને બદલે સીધો બિટ્યુમિન માલ નાખી દેવાયો હતો.

આ કામગીરી વખતે પૂર્વ ઝોનના એડિશનલ સિટી ઈજનેર ફાલ્ગુન મિસ્ત્રી અને ડેપ્યુટી સિટી ઈજનેર ગોપાલ પટેલ કે વોર્ડના ઈજનેર પૈકી એક પણ અધિકારી હાજર ન હતા. આ ઉપરાંત રોડની કામગીરીની દેખરેખ માટેની થર્ટ પાર્ટી ઈન્સ્પેકશનની કોઈ જવાબદાર વ્યક્તિ પણ ઉપસ્થિત નહોતી તેમ જણાવતાં વિપક્ષ કોંગ્રેસના નેતા િદનેશ શર્માએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ કોન્ટ્રાક્ટર પાસે જ પૂર્વ ઝોનના રોડના મોટા ભાગનાં કામો છે અને રાજકીય પીઠબળ ધરાવતા આ કોન્ટ્રાક્ટરની ઝોનમાં મનમાની ચાલે છે. એટલે વસ્ત્રાલના રોડની કામગીરીમાં ડામરની ચોરી સહિતની ગેરરીતિઓ મારી નજર સમક્ષ થઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે.

જોકે ગઈ કાલે સાંજે મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષના નેતાએ આ અંગે ઉગ્ર રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘આ ગેરરીતિનો વીડિયો ઉતારીને કમિશનરને પણ મોકલાયો છે. દરમિયાન પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ. પ્રજાપતિ કહે છે, વિપક્ષના નેતા દિનશ શર્માના કથિત ગેરરીતિના આક્ષેપની તપાસ કરાશે.’
http://sambhaavnews.com/

You might also like