રસ્તાનાં કામોમાં કેટલાક કોર્પોરેટર, અધિકારીઓની પણ ‘ભાગીદારી’

અમદાવાદ: ચોમાસાના વરસાદમાં શહેરના શાસકોની આબરૂના ધજાગરા ઊડી ગયા છે. જોકે રસ્તાનાં કામોના ભ્રષ્ટાચારમાં સત્તાની સીધી કે આડકતરી ભાગીદારી હોવાના કારણે જનાક્રોશ હોવા છતાં પણ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું છે.

ચાલુ વર્ષે ઓકટોબરથી ૧પ જૂન દરમ્યાન જે રસ્તાનાં કામો હાથ ધરાયાં તે પૈકી મોટા ભાગના રસ્તા વરસાદના પહેલા જ રાઉન્ડમાં ધોવાઇ ગયા છે. આ રસ્તાઓના ધોવાણ પાછળનું મુખ્ય કારણ ડામરની ચોરી સાબિત થઇ છે. તંત્ર દ્વારા રસ્તાના કામો કરતા છ મોટા કોન્ટ્રાકટરને નોટિસ ફટકારાઇ છે. જે તે રસ્તાનું સુપરવિઝનનું કામ કરતા અધિકારીઓની પણ યાદી તૈયાર થઇ રહી છે. પરંતુ આ તમામ કવાયત બાદ પણ કોઇ નક્કર પરિણામ આવવાનું નથી. તેનું કારણ એ છે કે ખુદ શાસક પક્ષના કોર્પોરેટરો તેમજ ટોચના અધિકારીઓ પણ આમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે.

જૂની ટર્મમાં રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેનના પુત્ર રોડના કામોનો પેટા કોન્ટ્રાકટ ધરાવતા હોવાનું આજે પણ મ્યુનિસિપલ વર્તુળોમાં છડેચોક ચર્ચાઇ રહ્યું છે. પૂર્વ ઝોનના અેક વોર્ડના ચાલુ કોર્પોરેટરના હાથ પણ પેટા કોન્ટ્રાકટમાં રંગાયેલા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસના એક સેવા નિવૃત્ત ઉચ્ચ અધિકારીના પુત્રની પણ સંડોવણી સામેેલ હોવાની વ્યાપક ચર્ચા ઊઠી છે. ભાજપના કેટલાક વોર્ડના પ્રમુખ કે મહામંત્રી પણ રોડના કામો સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. આ બધા કારણસર રોડનો ભ્રષ્ટાચાર ભવિષ્યમાં અટકશે કે કેમ ? તે પણ એક મોટો સવાલ છે.

You might also like