રસ્તાના કામના ટેન્ડરમાં ‘રિકવરી’ કે FIR કરવાની કોઈ શરત જ રખાઈ નથી!

અમદાવાદ: ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડનાં કામોના ભ્રષ્ટાચારની વ્યાપકપણે ગુંજ ઊઠતાં તંત્રને છૂટકે-નાછૂટકે વિજિલન્સ તપાસ હાથ ધરવી પડી છે, જોકે સત્તાવાળાઓની વિજિલન્સ તપાસ કમસે કમ કોન્ટ્રાક્ટરોના મામલે બોદી પુરવાર થઈ છે, કેમ કે કરોડો રૂપિયાનાં રોડનાં કામ મેળવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગેરરીતિ આચરીને મ્યુનિસિપલ તિજોરીને આર્થિક ખોટના ખાડામાં ધકેલવા બદલ ચૂકવાયેલાં નાણાંની ‘રિકવરી’ કે પોલીસમાં ‘૪૨૦’ની એફઆઈઆર કરવાની નવા કે જૂના ટેન્ડરમાં કોઈ શરત જ રખાઈ નથી.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ ગંદકીના મામલે કચરાથી ભરેલું ટ્રેક્ટર લાવીને મુખ્યાલય પરિસરમાં ઠાલવવાના મામલે જે તે કોર્પોરેટર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવે છે. ધરણાં દરમિયાન ફૂલના કુંડાની તોડફોડ થવા બદલ પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, પરંતુ પ્રજાના પરસેવાની કમાણીનાં નાણાંને ભારે ભ્રષ્ટાચાર આચરીને ડુબાડી ચૂકેલા રોડનાં કામોના કોન્ટ્રાક્ટર સામે સત્તાધીશો ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા સિવાય કશું કરતા નથી.

આ માટે જૂના ટેન્ડરમાં તો કોઈ જોગવાઈ નથી, પરંતુ નવા નીકળેલા ટેન્ડરમાં પણ જોગવાઈ કરાઈ નથી. ફક્ત સિક્યોરિટી ડિપો‌િઝટને પાંચ ટકાથી વધારીને દસ ટકા કરાઈ છે.

બીજી તરફ મ્યુનિસિપલ અધિકારીઓ સામે હજુ સુધી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરાતાં રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલ અકળાયા છે. તેઓએ તૂટેલા રોડ માટે ખાસ કરીને રોડ પ્રોજેક્ટ વિભાગ અને હાલમાં પશ્ચિમ ઝોનના એક ઉચ્ચ અધિકારીને સીધા જવાબદાર ગણ્યા છે. તેઓ કહે છે, આ વખતે રોડ પ્રોજેક્ટ વિભાગના અને નવા પશ્ચિમ ઝોનના રોડ આ બંને ઉચ્ચ અધિકારીઓના કારણે જ સૌથી વધુ તૂટ્યા છે. દરમિયાન બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર જે. આર. અગ્રવાલે પોતાનો હોટ મિક્સ પ્લાન્ટ રાતોરાત બંધ કરીને સ્વખર્ચે રોડ રિસરફેસિંગ કરવાના મામલે એક પ્રકારે નનૈયો ભણ્યો હતો, જોકે હવે આ કોન્ટ્રાકટરને ગઈ કાલ રાતથી પ્લાન્ટ શરૂ કરીને રોડ રિસરફેસિંગ કરવાની ફરજ પડી છે.

You might also like