રસ્તાના કામ પર ઢાંકપિછોડો રહેશે જ, કશું ‘ઓનલાઈન’ નહીં મુકાય!

અમદાવાદ: ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૩રપ કરોડના રોડનાં કામ હાથ ધરાયાં છે. પરંતુ તંત્રની મહેરબાનીથી હલકી ગુણવત્તાના રોડનું નિર્માણ અટકતું નથી. બીજી તરફ અમદાવાદીઓને કોર્પોરેશનની વેબસાઇટ પર ઘેર બેઠાં પોતાના વિસ્તારના રોડનાં કામોની માહિતી મળી રહેશે તેવા શાસકોના દાવા પર પાણી ફળી વળ્યું છે. કેમ કે હવે શાસક પક્ષ જ ખુલ્લેઆમ રોડનાં

કામથી ‘ઓનલાઇન’ માહિતીનું ફીંડલું વળી ગયું હોવાની કબૂલાત કરે છે. કોર્પોરેશનનાં રોડનાં કામનો ભ્રષ્ટાચાર જગ જાહેર છે. તાજેતરમાં રોડ પ્રોજેકટ દ્વારા ગુરુકુળથી સુભાષચોક થઇ સરકારી વસાહત સુધીની રોડની કામગીરીમાં થયેલી ગેરરીતિને ખુદ તંત્રનો વિજિલન્સ તપાસમાં પર્દાફાશ થયો હતો.  નિસિપલ અધિકારીઓની મિલી ભગતથી કોન્ટ્રાકટરે રોડ રિસરફેસિંગનાં આ કામમાં જબ્બર ગોટાળા કર્યા હતા. જો કે સત્તાધીશોએ અગમ્ય કારણસર કોન્ટ્રાકટરને એક વર્ષ માટે બ્લેક લિસ્ટ કરીને સમગ્ર કૌભાંડમાં ભીનું સંકેલી લીધું હતું. જ્યારે આ કૌભાંડમાં હજુ સુધી રોડ પ્રોજેકટ વિભાગના એક પણ અધિકારીનો વાળેય વાંકો થયો નથી.

ખુદ મેયર ગૌતમ શાહના સરપ્રાઇઝ ચેકિંગમાં લાંભા, બહેરામપુરા જેવા વોર્ડમાં રોડની કામગીરી ક્ષતિગ્રસ્ત જોવા મળી છે. મેયર શાહની તાકીદના આધારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દોડતું થયું હતું અને ક્ષતિગ્રસ્ત રોડ વોરંટી પિરિયડમાં આવતા હોઇ કોન્ટ્રાકટરને તેમના ખર્ચે ફરીથી બનાવવાની સૂૂચના આપી હતી, પરંતુ વર્ષોથી કોર્પોરેશન દ્વારા જે તે વોર્ડ, વિસ્તારના રોડ કયારે કયા કામ માટે ખોદાશે અને આ ખોદકામ કયારે પૂરું થશે અને ખોદી કાઢેલો રસ્તો કયારે રિસરફેસ થશે અને રિસરફેસ કરેલા રસ્તાની વોરંટી પિરિયડ કયાં સુધીનો છે કે આ કામનો ખર્ચ કેટલો છે તેના કોન્ટ્રાકટર કોણ છે. જેવી કોઇ કરતાં કોઇ માહિતી નાગરિકોને કયારેય મળતી નથી અનેક કિસ્સાઓમાં આજની તારીખે લાખો રૂપિયાના ખર્ચે બે ત્રણ મહિના પહેલાં ચકાચક કરાયેલા રસ્તાઓને તંત્રની વિશેષ કૃપાથી ડ્રેનેજ કે પાણીની લાઇન નાખવા ફરીથી ખોદી કઢાય છે.

રોડની ઓનલાઇન માહિતી નાગરિકોને આપવા અંગે રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલને પૂછતાં તેઓ કહે છે કે, “અમારી તો ઇચ્છા છે કે લોકોને તમામ રોડની ઓનલાઇન માહિતી ઘેર બેઠા મળે, પરંતુ અધિકારીઓ અમને ગાંઠતા નથી.”
http://sambhaavnews.com/

You might also like