નવા રોડ ધોવાયાઃ ભાજપના કોર્પોરેટરોઅે પસ્તાળ પાડી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે રૂ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ રિસરફેસિંગ અને નવા રોડનાં કામ કરાયાં હતાં. જોકે રોડનાં કામમાં ભારે ભ્રષ્ટાચાર હોઇ શહેરમાંં પડેલા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર રોડ ધોવાયા છે. લોકોમાં વ્યાપેલા ભારે રોષને પગલે ગઇ કાલે મળેલી રોડ-બિલ્ડિંગ કમિટીમાં ખુદ ભાજપ પક્ષના સભ્યોને રોડ ધોવાયાની બૂમો પાડવાની ફરજ પડી હતી. જેના કારણે આ કમિટીના ચેરમેન પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

રોડનાં કામોની હલકી ગુણવત્તાનો પ્રશ્ન લાંબા સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાજી રહ્યો છે. ખુદ રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન રોડના કામોનાં ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. ગઇ કાલે ચેરમેન જતીન પટેલે ચાલુ વર્ષના ૪પ૬ જેટલા નાનાં-મોટાં રોડનાં કામોનો ઝોન દીઠ રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ જે તે ઝોનના ઇજનેર વિભાગને ગઇ કાલે મળેલી રોડ બિલ્ડિંગ કમિટીમાં આપીને નિરંકુશ તંત્ર પર કંઇક અંગે અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો છે. જોકે શહેરના રસ્તાની સ્થિતિ ખરેખર બદતર હોઇ આ કમિટીના સભ્યોએ રોડ ધોવાયાની ફરિયાદ કરી હતી.

ઉત્તર ઝોનના સરસપુર વોર્ડમાંં હરુભાઇ ગોદાણી સર્કલવાળો નવો રોડ મામૂલી વરસાદથી ધોવાતાં સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ ફેલાયો છે. ધોવાયેલા આ રોડને ઠીકઠાક કરવાનો પ્રયાસ કેટલાક જાગૃત નાગરિકોએ સ્વયંભૂ કર્યો છે. જોકે રસ્તા પરની ખુલ્લી ગટર ગમે ત્યારે પ્રાણઘાતક અકસ્માત સર્જી શકે છે. નજીકના ઇદગાહ ચાર રસ્તાની હાલત પણ ખરાબ છે. જ્યારે નરોડામાં તપોવન સર્કલવાળો રસ્તો ધોવાઇ ચોતરફ ખાડા પડીને કપચી ઉખડી ગઇ છે. અા અંગે કમિટીના સભ્યો દ્વારા ફરિયાદ ઉઠતાંં ચેરમેન દ્વારા રોડ પ્રોજેકટ વિભાગને આગામી શનિવાર સુધીમાં તપાસ કરીને રિપોર્ટ આપવાની તાકીદ કરાઇ છે. જેના પગલે રોડ પ્રોજેકટ વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like