જાગ્યા ત્યાંથી સવારઃ રસ્તા રિસરફેસિંગ માટે ત્રણ વર્ષે કન્સલ્ટન્ટ નિમાશે

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં રોડનાં કામોનો ભ્રષ્ટાચાર જગજાહેર છે. એક કિ.મી. લાંબા રસ્તાના રિસરફેસિંગના એક કરોડનાં કામમાં ૪૦ લાખ રૂપિયા ખવાઇ જતાં હોઇ ખુદ કમિશનર મૂકેશકુમાર ધુંઆપુંઆ થયા છે. કમિશનરના આદેશને પગલે હવે રહી રહીને તંત્ર રોડ રિસરફેસિંગના કામોમાં ‘ગુણવત્તા’ લાવવા કન્સલ્ટન્ટ નિમશે. ત્રણેક વર્ષના સમયગાળા બાદ સત્તાવાળાઓ કન્સલ્ટન્ટોની પેનલ બનાવવા જઇ રહ્યા છે.

આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા સમક્ષ વહીવટીતંત્ર દ્વારા મુકાયેલી રોડ રિસરફેસિંગનાં કામમાં કન્સલ્ટન્ટની પેનલ તૈયાર કરવાની એક દરખાસ્ત ચર્ચાસ્પદ બની છે. આ દરખાસ્ત મુજબ ઇજનેર વિભાગના ૬૦ ફૂટથી ઓછી પહોળાઇના અને રોડ પ્રોજેકટ વિભાગના ૬૦ ફૂટથી વધુ પહોળાઇના રસ્તાના રિસરફેસિંગનાં કામોની ગુણવત્તા તેમજ કામની પ્રગતિ જળવાઇ રહે તે આશયથી સુપરવિઝન અને મોનિટરિંગ કરવા જુદી જુદી પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સીઓની ત્રણ વર્ષે માટેની પેનલ તૈયાર કરવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા કુલ ૧૭ બીડર પૈકી ૧રને માન્ય ગણાયા હતા. જે પૈકી કન્સલ્ટન્ટ જયેશ એ. દલાલના પ્રોજેકટ કોસ્ટના ૦.૬૩ ટકા ફી વત્તા સર્વિસ ટેકસ મુજબ સૌથી ઓછા ભાવ આવતાં અન્ય ચાર કન્સલ્ટન્ટ એજન્સીઓએ પણ આ ભાવે કામ કરવા સંમતિ દર્શાવી હોઇ આ પાંચ કન્સલ્ટન્ટની પેનલ તૈયાર કરાશે. અન્ય ચાર કન્સલ્ટન્ટ સાથે પણ તંત્રએ સૌથી ઓછા ભાવે કામ કરાવવા અંગેની વાટાઘાટો હાથ ધરી છે.

જોકે આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં અંદાજે રૂ.૩રપ કરોડના રોડ રિસરફેસિંગનાં ૪પ૬ કામને મંજૂરી અપાઇ ગઇ હોઇ તે પૈકીના ૧૧૦ કામ પૂર્ણ થઇ ગયાં છે. જ્યારે પ૮ કામો ચાલી રહ્યાં છે. હવે કુલ ર૮૮ કામ હાથ પર લેવાનાં બાકી છે. બીજા અર્થમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનાં રસ્તાનાં કામો આટોપાઇ ગયા બાદ હવે કન્સલ્ટન્ટોની પેનલ તૈયાર થશે. તે પણ ત્રણ વર્ષના લાંબાગાળા બાદ કન્સલ્ટન્ટોની નવી બનનારી પેનલ રોડ રિસરફેસિંગનાં કામોની ગુણવત્તા ચકાસશે, કામોની પ્રગતિ ઉપર પણ નજર રાખશે. છેલ્લાં ૩ વર્ષથી તંત્રના ઇજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગના ઇજનેરો રોડની ગુણવત્તા જોતા હતા. અલબત્ત કન્સલટન્ટોના થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની સાથે સાથે કોર્પોરેશનના ઇજનેર પણ રોડનાં કામનું ચેકિંગ કરતા રહેશે. એ જે હોય તે પણ કોર્પોરેશન રોડનાં કામની ગુણવત્તાના મામલે અત્યાર સુધી ઊંઘતું રહ્યું તેવું મ્યુનિ. વર્તુુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like