ઊબડખાબડ અને ધૂળિયા રસ્તાથી દિવાળીમાં પણ સાવ મુક્તિ નહીં મળે

અમદાવાદ: શહેરભરમાં રસ્તા ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં છથી સાડા છ ઇંચ જેટલા છૂટાછવાયા અને હળવા વરસાદના મારથી ધોવાઇ જતાં શહેરના શાસકો અને વહીવટીતંત્રની આબરૂના લીરેલીરા ઊડીને અમદાવાદ કોર્પોરેશનમાં સતત વધતા જતા ભ્રષ્ટાચારથી નાગરિકો રોષે ભરાયા છે, જોકે અત્યારે તો ઊબડખાબડ રસ્તા ઉપરાંત ધૂળ અને માટીથી લોકો ત્રાહિમામ્ છે. ધૂળથી બચવા વાહનચાલકોને ગોગલ્સ પહેરવાની અને મોઢાને રૂમાલથી બાંધવાની ફરજ પડી રહી છે. તેમ છતાં અમદાવાદીઓને દિવાળીના સપરમા દિવસોમાં પણ ઊબડખાબડ રસ્તા અને ધૂળ-માટીનો પનારો પડવાનો છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા તૂટેલા રસ્તાની તપાસ વિજિલન્સ ખાતાને સોંપાઇ હોવા છતાં તેમાં ફક્ત ૧૮૩ રોડની તપાસ કરાઇ હતી. વિજિલન્સ વિભાગની પ્રાથમિક તપાસ બાદ ત્રણ દો‌િષત કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો ઠરાવ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયો હતો, જોકે અન્ય કોન્ટ્રાક્ટર અને જે તે રોડનું સુપરવિઝન કરનારા અધિકારીઓનો વાળ વાંકો થાય તેમ નથી, કેમ કે વિજિલન્સની તપાસમાંથી આ લોકો આબાદ છટકી ગયા છે. મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.૪પ૦ કરોડના ખર્ચે નવા રોડ બનાવાયા હોઇ મોટા ભાગના રોડ ભંગાર હાલતમાં ફેરવાઇ જવાથી આક્રોષિત નાગરિકોએ બાપુનગર અને સરસપુરમાં સ્વયંભૂ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીએ તો આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર, જે.પી. ચૌધરી અને જે.આર. અગ્રવાલને ડિસ્કો રોડ માટે જવાબદાર ગણાવીને પોતાના ખર્ચે તૂટેલા રોડ નવા બનાવી આપવાનો આદેશ આપીને જો તેઓ નિયત સમયમર્યાદામાં તેમના ખર્ચે રોડ બાંધી નહીં આપે તો તેમને આજીવન બ્લેકલિસ્ટ કરાશે તેવી ચેતવણી આપી છે, જોકે આ ચેતવણીની કોઇ અસર કોઇ કોન્ટ્રાક્ટર ઉપર થવાની નથી, કેમ કે રસ્તાનાં કામોના કોન્ટ્રાક્ટર આ વર્ષે પણ પરંપરાગત રીતે પોતાના હોટ‌િમકસ પ્લાન્ટનો નવરાત્રોત્સવ દરમ્યાન પ્રારંભ કરશે. ત્યારબાદ આઠેક દિવસ રસ્તાના રિસરફે‌િસંગનાં કામ હાથ ધરશે. આવા શુકન પૂરતા રસ્તાનાં કામ કર્યા બાદ મજૂરો દિવાળી ઊજવવા પોતપોતાના ગામે જશે અને લાભપાંચમ પહેલાં અમદાવાદ પરત ફરશે.

દિવાળી ઊજવીને આવેલા મજૂરો પછી છેક હોળી મનાવવા ગામડે જશે. આ સમયગાળા દરમ્યાન એટલે કે દિવાળી બાદથી હોળી સુધી શહેરમાં રસ્તાનાં કામોનો ખરો ધમધમાટ રહેશે. બીજા અર્થમાં દિવાળીના તહેવારોમાં પણ તૂટેલા-ફૂટેલા રસ્તા અને આવા રસ્તા પરનાં ધૂળ-માટી અમદાવાદીઓના લમણે લખાયેલાં રહેશે તે બાબત ચોક્કસ છે.
તૂટેલા રોડના કોન્ટ્રાકટરોના ૧૦૦થી વધુ બિલની ચુકવણીને રોકી દેવાઇ છે, જોકે મ્યુનિસિપલ બોર્ડમાં મેયર ગૌતમ શાહે કોઇ પણ ચમરબંધીને છોડાશે નહીં અને ફકત પેચવર્ક નહીં કરાય, પરંતુ તમામ રસ્તા નવેસરથી તૈયાર કરાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ તંત્ર જે રીતે આ કામકાજ કરી રહ્યું છે તેને જોતાં મેયરની જાહેરાત પોકળ નીવડી છે. રોડના કામોના કોન્ટ્રાકટરો અને અધિકારીઓને છાવરવાની નીતિ-રીતિને કારણે ખાડાગ્રસ્ત રસ્તાને નવેસરથી તૈયાર કરાશે નહીં. આના બદલે પેચવર્ક અને માઇક્રોસરફેસિંગનો સહારો લેવાઇ રહ્યો છે.

છેક પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ભૂપેન્દ્ર પટેલના સમયકાળમાં પારદર્શક વહીવટ માટે જે તે રોડ પર કોન્ટ્રાકટરના નામ, સરનામા, રોડ બનાવવાનો ખર્ચ, કોન્ટ્રાકટરનો સંપર્ક નંબર, કોન્ટ્રાકટરની શરત સહિતની વિગતો સાથેનું બોર્ડ લગાવવાના પસાર કરાયેલા ઠરાવને સિફતપૂર્વક વિસારી દેવાયો છે. આ તો ઠીક, ઓનલાઇન રોડની વિગત મૂકવામાં પણ તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. જેના કારણે ઇ-ગવર્નન્સના ઢોલનગારાની વચ્ચે પણ નાગરિકોને તંત્રની સત્તાવાર વેબસાઇટ પર રોડને લગતી કોઇ માહિતી જાણવા મળતી નથી.

રસ્તાનો આવરદા વધારવા વોટર રેઝિટન્ટ કેમિકલ ઉપયોગમાં લેવાતું નથી. પેચવર્કના કામ કરવા પણ રસ્તા પરના ખાડાનું આડેધડ રોડા નાખનાર તંત્ર હવે પેચવર્ક દ્વારા થાગડથીગડ જ કરવાનું છે. પેચવર્ક ઉપરાંત જે રસ્તાની સપાટીને ઘસારો પહોંચ્યો હોય તેવા રસ્તાને માઇક્રોસરફેસિંગના રૂપાળા નામ હેઠળ ડામરનો સ્પ્રે છાંટીને રીસરફેસિંગને બદલે કોટિંગ કરાશે.

ખાડાગ્રસ્ત રોડનું વેટમિકસ, રોડાથી ડ્રેસીંગ કરવાનું કામ કરનાર મ્યુનિસિપલ સત્તાવાળાઓ રિસરફેસિંગને બદલે રોડ કોટિંગ માટે માઇક્રોસરફેસિંગના કામો શહેરભરમાં હાથ ધરી રહ્યા છે. માઇક્રોસરફેસિંગના સળંગ પટ્ટા તૈયાર કરવા ઉત્તર ઝોન અને દ‌િક્ષણ ઝોનમાં તાજેતરમાં રૂ.૧૦ કરોડના કામને મંજૂરી અપાઇ છે. આમ તો મૂળ ટેન્ડર રૂ.પાંચ કરોડનું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ પાછલા બારણેથી વધુ રૂ.પાંચ કરોડનાે વધારો કરી આપ્યો છે.

આજે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના જુદા જુદા રસ્તાઓને માઇક્રોસરફેસિંગ કરવા માટે રૂ.૧.૬૪ કરોડના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે. જોકે આ કામમાં રૂ.૧.પ૦ કરોડનો વધારો કરાય તેવી પણ શકયતા છે.

http://sambhaavnews.com/

You might also like