રોડ રિસરફેસિંગનાં કામમાં રીતસરની વેઠ

અમદાવાદ: અમદાવાદના તૂટેલા રસ્તા આજે રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યા છે. ચાલુ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪૫૦ કરોડના રસ્તા ઠેર ઠેર ધોવાતાં શાસક ભાજપ પક્ષ અને મ્યુનિસિપલ તંત્રની આબરૂનું પણ જાહેરમાં ધોવાણ થયું છે. હાઈકોર્ટ દ્વારા અમદાવાદ કોર્પોરેશનને રસ્તાનાં કામો અંગે ફટકાર અપાઈ રહી હોવાથી સત્તાવાળાઓ દોડતા થયા છે પરંતુ જે રીતે રસ્તાનું રિપેરિંગ કામ ચાલે છે. તેનાથી નાગરિકોને હરખપદુડા થવાની જરૂર નથી કેમ કે નવા તૈયાર થતા રસ્તાનું આયુષ્ય આવતા ચોમાસા સુધીનું જ છે. એટલે આ રસ્તા પણ તૂટી જઈને નાગરિકોની કમરના મણકાને ફરીથી તોડી નાખવાના છે.

ચાલુ વર્ષે રસ્તાનાં કામોમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થવાથી અમદાવાદીઓ ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ રસ્તો સળંગ બસો મીટર મોટરેબલ જોવા મળે છે. શહેરભરના રસ્તા ધોવાતા લોકો વિફર્યા છે અને જનાક્રોશની લપેટમાં શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરો પણ આવી જતા મ્યુનિસિપલ ભાજપમાં અંદર ખાનેથી ભડકો થયો છે.અત્યારે તો સત્તાધીશો રોડ રિસરફેસિંગની કામગીરી હાથ ધરી છે પરંતુ રોડ રિસરફેસિંગની આ કામગીરી લેશમાત્ર સંતોષજનક નથી.

વેજલપુરના બળિયાદેવના મંદિરથી જીવરાજ પાર્ક સુધીનો રસ્તો, શાસ્ત્રીનગર કે પછી શ્રેયસ બ્રિજથી તુલિપ સીટાડેલનો રસ્તો ગણો, પણ બે દિવસથી શહેરમાં હાથ ધરાયેલા પેચવર્ક અને રિસરફેસિંગની કામગીરીમાં ૨૭૦૦ મેટ્રિક ટન માલ વપરાયો હોવાનો તંત્રનાે દાવાે છે. પરંતુ ડામરના બનેલા રિસરફેસિંગના કામમાં વેઠ ઊતરી રહી છે. લેવલિંગ કરાતું નથી. એટલે રસ્તાની વચ્ચોવચ્ચ ખાડા-ટેકરા ઊભર્યા છે. જેના કારણે આગામી ચોમાસામાં આ સઘળા રસ્તા તૂટવાના જ છે.

જાણકાર સૂત્રો કહે છે, બ્લેકલિસ્ટેટ કોન્ટ્રાક્ટરોના રૂ.૧૧૧ કરોડથી વધુનાં કામ માટે તંત્રે ઉતાવળે શોર્ટ ટેન્ડર બહાર પાડ્યાં અને ટેન્ડરની મંજૂરીમાં બિનઅનુભવી કોન્ટ્રાક્ટરોની જ બોલબાલા થઈ છે. તંત્રની ગરજનો લાભ લઈને આ કોન્ટ્રાક્ટરોએ ઊંચા ભાવ ભર્યા, હોટમિક્સ પ્લાન્ટની શરતોમાં ઉલ્લંઘન કરાયું તેમ છતાં પહેલા રોડ-બિલ્ડિંગ કમિટી અને પછી સ્ટેન્ડિંગ કમિટીએ આંખ મીંચીને તમામ કામો પર મત્તું મારીને લોકોને આવતા ચોમાસે પણ ભંગાર રસ્તા માટે તૈયાર રહેવાની વસમી હાલતમાં અત્યારથી મૂકી દીધા છે.

You might also like