ભંગાર બની ગયેલા ૩૩ રોડ પૈકી ફકત એક રોડ અડધો પડધો રિપેર કરાયો

અમદાવાદ: અમદાવાદમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ રોડનાં કામોના ભ્રષ્ટાચારના કારણે શહેરભરના રસ્તા ધોવાઇ ગયા હતા. શહેરીજનોમાં તૂટેલા રસ્તાના કારણે ભારે રોષ ફેલાતા શાસકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તંત્ર દ્વારા તૂટેલા રોડની તપાસ મ્યુનિસિપલ વિજિલન્સ વિભાગને સોંપાઇ હતી, પરંતુ ‌ વિજિલન્સ વિભાગનો વચગાળાનો રિપોર્ટ પણ આ ૧૮૩ રોડને તપાસ હેઠળ લેવાતા વિવાદાસ્પદ બન્યો છે. બીજી તરફ શાસક પક્ષ દ્વારા કુલ ૩૩ રસ્તાને તત્કાળ માઇક્રો સરફેસિંગ માટે લેવાનો વહીવટી સત્તાવાળાને આદેશ અપાયા બાદ પણ માત્ર એક રસ્તાને તત્કાળ માઇક્રો સરફેસ કરીને વાહનચાલકો માટે કંઇક અંશે રાહત આપનારો કરી અપાયો છે. હાઇકોર્ટની લાલ આંખ છતાં પણ તંત્રની તૂટેલા રસ્તાના સમારકામની કાચબા છાપ ગતિએ ચાલતી કામગીરી પણ ચર્ચાના ચગડોળે ચઢી છે.

પરંતુ આઘાતજનક બાબત એ છે કે શાસક પક્ષ દ્વારા આરટીઓ સર્કલથી વાડજ સર્કલ, કાલુપુર ચાર રસ્તાથી સારંગપુર સર્કલ, સાલ હોસ્પિટલથી જજીસ બંગલો થઇ કર્ણાવતી મોટર્સ, ઉસ્માનપુરાથી યુનિવર્સિટી, નારણપુરાથી રન્ના પાર્ક, મણિનગર રેલવે સ્ટેશનથી ગુરુદ્વારા રેલવે કોલોની, રૂક્ષ્મણીથી મેઘમલ્હાર થઇ નિકોલ ગામ તથા સુરભિ રેસિડેન્સીથી સોહમ રેસિડેન્સી, ધરણીધરથી વિકાસગૃહ થઇ મહાલક્ષ્મી ચાર રસ્તા, શાહીબાગ અન્ડરપાસથી દિલ્હી દરવાજા એમ કુલ ૩૩ રસ્તાને તાત્કાલિક ધોરણે માઇક્રો સરફેસિંગ હેઠળ લઇને લોકોને ઊબડ ખાબડ રસ્તાથી કંઇક અંશે રાહત આપવાની તંત્રને તાકીદ કરાઇ હતી.

આ દરમિયાન સ્વાઇન ફલૂના રોગચાળાએ ઉછાળો મારતાં સત્તાવાળાઓ રોજબરોજ સ્વાઇન ફલૂની દોડધામમાં પડયા છે. મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે કમિશનર મૂકેશકુમાર દ્વારા દરરોજ સાંજે સ્વાઇન ફલૂ એકશન ટેકન રિપોર્ટ લેવાઇ રહ્યો છે. આમાં તૂટેલા રસ્તા માટે વિચારવાની કોઇ પાસે ફુરસદ જ નથી. પરિણામે ફકત ઇસ્કોનથી શિવરંજની રોડને જ અડધો પડધો માઇક્રો સરફેસ કરાયો છે. એક ઉચ્ચ હોદ્દેદાર નામ ન આપવાની શરતે કહે છે કે વરસાદનાં બહાનાં કાઢીને ઇજનેર વિભાગ સુસ્ત રીતે કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ર૬ ટન માલની એક ગાડી પ્રમાણે નેવું ગાડીના માલના કોન્ટ્રાકટરોએ પેચવર્કને નામે રસ્તા પર થીંગડાં જ માર્યાં છે.

You might also like