“મારી ગાડી ખરાબ છે કે રસ્તા”

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની બલિહારીથી શહેરના રસ્તા બદથી બદતર હાલતમાં થઇ ગયા છે. રસ્તા પર ઠેર ઠેર ગાબડાં પડીને કપચી અને માટી ચારે તરફ ફેલાતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જોકે રસ્તાની દુર્દશાની ગંભીરતાની નોંધ લેવાની રાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાનને પણ ફરજ પડી છે. ગઇ કાલે સવારે વટવા વિસ્તારમાં એક બેસણામાં આવેલા પ્રદીપસિંહ જાડેજાએ એક મ્યુનિસિપલ હોદ્દેદારને જોઇને “મારી ગાડી ખરાબ છે કે રસ્તા” એવી ટકોર કરતાં આ હોદ્દેદાર સહિત અન્ય કોર્પોરેટરો સહિતના સઘળા સ્તબ્ધ થઇ ગયા હતા.

ગઇ કાલે વટવા ગામના ભરવાડવાસમાં ભાજપના એક કાર્યકરનું બેસણું હતું. જેમાં બપોરે ૧૧-૩૦ના સુમારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી. ર્સ્વગસ્થ કાર્યકરને પોતાનાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ તેઓએ રોડ-બિલ્ડિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન પંકજસિંહ સોલંકીને જોઇને બિસ્માર રસ્તાના સંદર્ભમાં “મારી ગાડી ખરાબ છે કે રસ્તા !” એવી ટકોર કરી હતી.

ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ટકોર સાંભળતા વેંત પંકજસિંહ ઢીલા ઢફ થઇ ગયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના અન્ય કોર્પોરેટરોની પણ કફોડી હાલત થઇ ગઇ હતી. પ્રદીપસિંહ જાડેજાએ રસ્તાનાં કામોની નબળી ગુણવત્તા વિશે જ એક પ્રકારે હળવી ભાષામાં ટકોર કરતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારા કોર્પોરેટરો માટે ગાંધીનગર સુધી નારાજગી પ્રસરી છે. તેવું સૂત્રો જણાવે છે.

જોકે પ્રદીપસિંહ જાડેજાની ટકોર બાદ તત્કાળ વટવાથી ગામડીવાળા રસ્તા પર વેટમિક્સ પાથરી દેવાયો છે. મહાલક્ષ્મી તળાવથી પોલીસ ચોકી સુધીના રસ્તાને પણ સુવ્યવસ્થિત કરવાનો આદેશ શહેરના શાસકોએ લાગતા વળગતા અધિકારીઅોને આપી દીધો છે.
http://sambhaavnews.com/

You might also like